નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના ‘ભવિષ્ય કા ભારત-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કા દ્રષ્ટિકોણ’ કાર્યક્રમના અંતિમ દિવસે સંઘ પ્રમુખ મોહન ભાગવતે લોકોના સવાલના જવાબ આપ્યા હતા. રામ મંદિર પરના અધ્યાદેશ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં મોહન ભાગવતે કહ્યું કે- રામ મંદિર પર અધ્યાદેશનો મામલો સરકારની પાસે છે અને આયોજનનો મામલો રામજન્મ ભૂમિ મુક્તિ સંઘર્ષ સમિતિ પાસે છે અને બંન્નેમાં હું નથી. આંદોલનમાં શું કરવું છે તે ઉચ્ચાધિકાર સમિતિ નક્કી કરે છે. જો તેઓ મારી સલાહ માંગશે તો હું બતાવીશ. હું સંઘના હિસાબે ઇચ્છું છું કે રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિર જલદી બનવું જોઇએ. ભગવાન રામ પોતાના દેશમાં બહુમતિ લોકોના ભગવાન છે પરંતુ તેઓ ફક્ત ભગવાન જ નહી. રામને લોકો ઇમામે હિંદ પણ માને છે. એટલા માટે જ્યાં રામ જન્મભૂમિ છે ત્યાં મંદિર બનવું જોઇએ.


આ અગાઉ મોહન ભાગવતે બે દિવસો સુધી સંઘ અંગે જાણકારી આપી હતી. સંઘ શું કામ કરે છે? અને સંઘની વિચારધારા શું છે?, હિન્દુત્વ શું છે? એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, અમે આંતરજાતિય લગ્નનું સમર્થન કરીએ છીએ. માનવ-માનવમાં ભેદ કરવો જોઇએ નહીં. ભારતમાં સંઘના સ્વયંસેવકો સૌથી વધુ આંતરજાતિય વિવાદ કરે છે. સમાજને અભેદ દ્રષ્ટિકોણથી જોવું જરૂરી છે.

શું રામાયણ, મહાભારતને દેશની શિક્ષામાં સામેલ કરવા જોઇએ. જેના જવાબમાં ભાગવતે કહ્યું કે, પોતાની પરંપરા પ્રમાણે નવી શિક્ષણ નીતિ બનાવવી જોઇએ. નવી શિક્ષણ નીતિ આવશે. આશા છે કે તેમાં આપણી પરંપરા સામેલ હશે. ગ્રંથોનો અભ્યાસ શિક્ષણમાં ફરજિયાત હોવો જોઇએ એવો સંઘનો મત છે.

અનામત પર મોહન ભાગવતે કહ્યું કે, બંધારણમાં જ્યાં જેટલુ અનામત છે તેને સંઘનું સમર્થન રહેશે. અનામત ક્યાં સુધી ચાલશે તેનો નિર્ણય તેઓ કરશે જેમણે અનામત નક્કી કર્યું છે. સામાજિક વિષમતા હટાવીને તમામ લોકો વચ્ચે સમાનતા હોય આ માટે બંધારણમાં જોગવાઇઓ છે. એટલા માટે બંધારણમાં હોય તેવા તમામ અનામતને સંઘનું સમર્થન છે અને રહેશે. અનામત સમસ્યા નથી, અનામતની રાજનીતિ સમસ્યા છે.

એસસી-એસટી કાયદા પર ભાગવતે કહ્યું કે, અત્યાચાર દૂર કરવા માટે એક કાયદો બન્યો. આ સારી વાત છે પરંતુ તેનો દુરુપયોગ થવો જોઇએ નહીં. તેનો દુરુપયોગ થાય છે તો  સંઘનું માનવું છે કે આ કાયદાને યોગ્ય રીતે લાગુ કરવો જોઇએ અને તેનો દુરુપયોગ અટકાવવો જોઇએ. આ ફક્ત કાયદાથી નહી થાય. સમાજની સમરસતાની ભાવના તેમાં કામ કરે છે. સદભાવના જાગૃત કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે શું કહ્યું અને સરકારે શું કર્યું તે અંગે હું કાંઇ નહી બોલું. સંઘની ઇચ્છા છે કે કાયદાનું સંરક્ષણ હોય અને તેનો દુરુપયોગ ના થાય.