નવી દિલ્હીઃ નોટબંધી બાદ લોકોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં રાખતા સરકાર રોજ રાહતની નવી નવી જાહેરાત કરે છે. હવે આરબીઆઈએ બેંકોને પેન્શનર્સ અને સેનાના જવાનો-અધિકારીઓ માટે યોગ્ય સંખ્યામાં રોકડ ઉપલબ્ધ કરાવવાના આદેશ આપ્યા છે. કહેવાય છે કે, આ વખતે નવેમ્બરનો પગાર આવ્યા બાદ આ લોકોને ભારે સંખ્યામાં રોકડની જરૂર પડશે જેના માટે બેંકોને સજ્જ રહેવા કહેવામાં આવ્યું છે.
બેંકોને આરબીઆઈએ નોટિફિકેશન જારી કરી નિર્દેશ આપ્યા છે કે રોકડની માગને પહોંચી વળવા માટે બેંકો તૈયારી કરવી પડશે. પેન્શનર્સ પોતાની પેન્શન રોકડમાં મળે તે અંગે કોઈ મુશ્કેલી ન થાય તે માટે બેંકને આદેશ આપવામાં આવ્યા છે. સેનાના જવાનો અને અધિકારીઓ માટે મિલિટ્રી પોસ્ટ્સ પર રોકડની વ્યવસ્થા યોગ્ય રીતે થાય તે બેંકોએ સુનિશ્ચિત કરવાનું રહેશે.
આરબીઆઈના ચીફ ચનરલ મેનેજર પી વિજય કુમારના નામથી બેંકોને જારી આ નોટિફિકેશનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, પેન્શનર્સ અને સેનાના જવાનો, અધિકારીઓને રોકડની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થવી જોઈએ.
આ નિર્દેશ તમામ સરકારી, પીએસયૂ બેંક, ખાનગી બેંક, વિદેશી બેંક, ગ્રામીણ અને ક્ષેત્રીય બેંક, અર્બન કો-ઓપરેટિવ બેંક, રાજ્ય કો-ઓપરેટિવ બેંક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર્સ અને ચીફ એક્ઝીક્યૂટિવ ઓફિસરને જારી કરવામાં આવ્યા છે.