જયપુર: દેશમાં ભલે ટ્રાન્સજેન્ડર્સને ચૂંટણી લડવાથી લઈ અન્ય ઘણા અધિકારો આપવામાં આવી રહ્યા હોય, પરંતુ ઘણા એવા અધિકારો છે, જેમાં હાલ તેઓ વંચિત છે. જયપુરની 25 વર્ષની ટ્રાન્સજેન્ડર્સ માલિની દાસ છેલ્લા પાંચ વર્ષથી અંકિત કુમાવાત સાથે રિલેશનશીપમાં છે. તમામ બાધાઓની વિરુદ્ધ, બંનેએ તેમના પરિવારને તેમના સંબંધો  સ્વીકારવા મનાવી લીધો છે, પરંતુ તેમ છતાં પતિ અને પત્ની તરીકે રહેવાનો કોઈ અધિકાર હાલ કાયદાકીય રીતે તેમની પાસે નથી. 


કાયદામાં કોઈ જોગવાઈ નથી


નોંધનીય છે કે ભારતમાં કાયદા હેઠળ આવી કોઈ જોગવાઈ નથી, જેમાં ટ્રાંસજેન્ડર વ્યક્તિ લગ્ન કરી શકે. ન તો પર્સનલ મેરેજ એક્ટ અને ન તો સ્પેશલ મેરેજ એક્ટમાં, ટ્રાન્સજેન્ડર્સનો આ સંબંધમાં કોઈ ઉલ્લેખ નથી. કાયદાકીય ખલેલને લીધે, તેમના સંબંધોને સાર્વજનિક કરવાનું  મુશ્કેલ બને છે.


રાજ્યમાં હજારો ટ્રાન્સજેન્ડર્સ


માલિની કહે છે કે અમારા સિવાય રાજ્યમાં હજારો ટ્રાંસજેન્ડર લોકો છે જેમને જીવનસાથી તરીકે કાયદાકીય લગ્નનો અધિકાર નથી. જ્યાં સુધી અમને લગ્નનો અધિકાર નહીં મળે ત્યાં સુધી અમારા માટે કોઈ સુરક્ષા રહેશે નહીં. એ જ રીતે, ટ્રાંસજેન્ડર સુનિતા (નામ બદલ્યું છે)નું કહેવું છે કે લગ્નના અધિકારો મળવાથી અમને સમ્માનજનક નાગરિક  તરીકે જીવવાની આઝાદી મળશે, તે આગળ વધવાનું બીજું પગલું હશે. પરંતુ અફસોસની વાત છે કે હજી સુધી આવી કોઈ જોગવાઈ નથી.


લાંબા સમયથી ટ્રાન્સઝેન્ડરો તેને લઈ સંઘર્ષ કરી રહ્યા છે


નઈ ભોર સંગઠનના પ્રમુખ પુષ્પા માઇ કહે છે કે હું એ વાતથી સહમત  છું કે એક ટ્રાંસજેન્ડર તેના સાથી સાથે એક ધાર્મિક સમારોહમાં લગ્ન કરી શકે છે, પરંતુ જો ભાગીદાર દસ વર્ષ પછી તેને છોડી દે છે, તો શું આવા કોઈ કાનૂની અધિકાર છે ? જેથી તે સલામતી અનુભવી શકે. અમે અમારા અધિકારો માટે કાયદાકીય સમર્થન માંગીએ છીએ જે અમને અમારુ ભવિષ્ય સુરક્ષિત કરવામાં મદદ કરી શકે. આ વિષય પર રાજસ્થાન હાઈકોર્ટના એડવોકેટ મિતુલ જૈને જણાવ્યું હતું કે આ સમુદાય ઘણા સમયથી આ સંદર્ભે માંગ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે 2019માં ટ્રાન્સજેન્ડર પર્સનસ પ્રોટેક્શન ઓફ રાઇટ્સ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં સમુદાય સંપત્તિ અથવા લગ્નના અધિકારનો ઉલ્લેખ નથી. આ લોકોના ઉત્થાન માટે વહેલી તકે કાયદો અમલમાં મૂકવાની જરૂર છે.


રાજસ્થાનમાં ટ્રાન્સજેન્ડર સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અસમર્થ છે


સુપ્રીમ કોર્ટના નિર્ણયના સાત વર્ષ બાદ પણ ટ્રાન્સજેન્ડર તેમના ઓળખકાર્ડ મેળવવાની રાહમાં છે. આંકડા અનુસાર 2016માં  16,517 ટ્રાન્સજેન્ડરને  મતદાન યાદીમાં  ઓળખવામાં આવી હતી, પરંતુ હજી સુધી આમાંથી માત્ર 375 મતદાર ઓળખકાર્ડ જારી કરવામાં આવ્યાં હતાં. રાજસ્થાનની વાત કરીએ તો અહીં લગભગ એક લાખ ટ્રાન્સજેન્ડર રહે છે. પરંતુ ઓળખકાર્ડના અભાવને કારણે ટ્રાન્સજેન્ડર્સ રાજ્ય સરકારની સમાજ કલ્યાણ યોજનાઓનો લાભ લઈ શકતા નથી. નઈ ભોર એનજીઓના પુષ્પા માઇનું  કહેવું છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા પછી પણ સમાજ કલ્યાણ વિભાગ આ મામલે સુસ્ત વલણ ધરાવે છે.