નવી દિલ્હીઃ દેશમાં આજે 71મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત તિબ્બત સરહદ પોલીસ (આઇટીબીપી)ના જવાનો પણ લોકતંત્રના આ અવસરને ધામધૂમથી મનાવી રહ્યા છે. લદાખમાં 17 હજાર ફૂટની ઉંચાઇ પર તૈનાત આ જવાનોનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં હાથમાં તિરંગો ફરકાવી જવાનો ભારત માતાની જય અને વંદે માતરમના નારા લગાવતા જોઇ શકાય છે. જે ક્ષેત્રમાં આ સૈનિકોની તૈનાતી છે ત્યાં હાલમાં તાપમાન માઇનસ 20 ડિગ્રી છે.


બીજી તરફ ગણતંત્ર દિવસના અવસર પર દિલ્હીના રાજપથ ખાતે પરેડ યોજવામાં આવી હતી. પરેડમાં સૈન્ય શક્તિ, સાંસ્કૃતિક વારસાનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અવસર પર બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયેર બોલસોનારો મુખ્ય અતિથિ છે. તાજેતરમાં જ એરફોર્સમાં સામેલ થયેલા ચિનૂક અને અપાચે યુદ્ધ હેલિકોપ્ટર પણ પરેડમાં જોવા મળ્યા હતા.