રાજપથ પર યોજાનાર પરેડમાં સેનાની તાકાત સાથે અલગ અલગ રાજ્યની લોક પરંપરાની ઝાંખી પણ જોવા મળશે. પરેડની કોમેંટ્રી સવારે 9 વાગ્યે રાજપથ પર શરૂ થશે. આ કોમેંટ્રીની શરૂઆત એલએસી પર ચીનનો સામનો કરતા ભારતીય સૈનિકોના પરાક્રમ પર ગલવાન ઘાટીમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાજંલિ આપીને થશે.
સવારે 9 વાગ્યાને 27 મિનિટે પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય સમર સ્મારક પર દેશના વીર સૈનિકોને પુષ્પાજંલિ અર્પણ કરશે. બાદમાં અંદાજે પોણા 10 વાગ્યે પ્રધાનમંત્રી મોદી, રક્ષા મંત્રી, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેનાના વડા રાજપથ પર પહોંચશે. બાદમાં ઠીક 10 વાગ્યે રાજપથ પર ધ્વજવંદનની સાથે પ્રજાસત્તાક પર્વના પરેડનો વિધિવિત રીતે પ્રારંભ થશે.
આજે પરેડમાં ભારતીય સેનાની તાકાતની સાથે જ એલએસી પર ચીન સાથે ચાલતા તણાવ વચ્ચે જે હથિયારો, ટેંક અને મિસાઈલને તૈનાત કરવામાં આવ્યા છે. તે શક્તિ પણ રાજપથ પર જોવા મળશે.