નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે, પ્રમોશનમાં અનામત એ મૌલિક અધિકાર નથી. તે સિવાય રાજ્ય સરકાર પણ પ્રમોશનમાં અનામત લાગુ કરવા માટે બાધ્ય નથી. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચે પોતાના એક નિર્ણયમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. ખંડપીઠે કહ્યું કે પ્રમોશનમાં અનામત નાગરિકોનો મૌલિક અધિકાર નથી અને આ માટે રાજ્ય સરકારો બાધ્ય કરવામાં આવી શકે નહીં. એટલું જ નહી કોર્ટ પણ સરકારને આ માટે મજબૂર કરી શકે નહીં.


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બંધારણની કલમ 16(4) તથા (4એ)માં જે જોગવાઇઓ છે જે હેઠળ રાજ્ય સરકાર એસસી અને એસટીના ઉમેદવારોને પ્રમોશનમાં અનામત આપી શકે છે પરંતુ આ નિર્ણય રાજ્ય સરકારનો જ રહેશે. જો કોઇ રાજ્ય સરકાર આમ કરવા માંગતી નથી તો તેને સાર્વજનિક સેવાઓમાં એ વર્ગના પ્રતિનિધિત્વની અછતના સંબંધમાં ડેટા એકઠા કરવો પડશે કારણ કે અનામત વિરુદ્ધ મામલો ઉઠવા પર આ આંકડાઓ કોર્ટમાં રાખવા પડશે જેથી તેમના ઇરાદાઓ જાણી શકાય છે. પરંતુ સરકારોને આ માટે મજબૂર કરી શકાય નહીં.


સુપ્રીમ કોર્ટે આ આદેશ ઉત્તરાખંડ હાઇકોર્ટના 15 નવેમ્બર 2019ના એ નિર્ણય પર આવ્યો છે જેમાં તેણે રાજ્ય સરકારને સેવા કાયદો 1994ની કલમ 3(7) હેઠળ એસસી-એસટી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવા કહ્યુ હતું જ્યારે ઉત્તરાખંડ સરકારે અનામત નહી પવાનો નિર્ણય કર્યો હતો. આ કેસ ઉત્તરાખંડના લોક નિર્માણ વિભાગમાં સહાયક એન્જિનિયરના પદો પર પ્રમોશનમાં એસસી-એસટીના કર્મચારીઓને અનામત આપવાનો મામલો છે. જેમાં સરકારે અનામત નહી આપવાનો નિર્ણય કર્યો હતો જ્યારે હાઇકોર્ટે સરકારને આ કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવા કહ્યુ હતું. રાજ્ય સરકારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

કોગ્રેસે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. કોગ્રેસના મહાસચિવ મુકુલ વાસનિક અને દલિત નેતા ઉદિત રાજે કહ્યું કે,કોગ્રેસ પાર્ટી આ નિર્ણય સાથે અસહમત છે. આ ચુકાદો ભાજપ શાસિત ઉત્તરાખંડ સરકારના વકીલોની દલીલોના કારણે આવ્યો છે. કોગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ આ ચુકાદાનો વિરોધ કર્યો હતો.

લોકજન શક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્ધારા સાત ફેબ્રુઆરી 2020ના રોજ આપેલા નિર્ણય કે જેમાં કોર્ટે કહ્યુ હતું કે, સરકાર એસસી અને એસટી અને અન્ય પછાત વર્ગને સરકારી નોકરી અને પ્રમોશનમાં અનામત આપવા માટે બાધ્ય નથી. સૂત્રોના મતે ચિરાગ પાસવાન લોકસભામાં આ મુદ્દો ઉઠાવશે.