નવી દિલ્હી: બે વખત મુખ્યમંત્રી રહી ચુકેલા અને ઘાસચારા કૌભાંડમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવને ગઈકાલે મોડી રાતે દિલ્હીની એમ્સમાં કાર્ડિયો ન્યૂરો સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોની એક ટીમ બનાવવામાં આવી છે જે તેમની સારવાર કરી રહી છે. લાલુ પ્રસાદની તબીયત વધારે બગડતા તેમને શનિવારે રાંચની રિમ્સ હોસ્પિટલમાંથી એર એમ્બ્યુન્સથી દિલ્હી લાવવામાં આવ્યા છે.


ગુરુવારે લાલુ પ્રસાદ યાદવની તબીયત અચાનક વધારે બગડી હતી.  લાલુ યાદવને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. તેમના ફેફસામાં પાણી ભરાવાની વાત પણ સામે આવી રહી છે. રિમ્સના ડૉક્ટરોએ લાલુ યાદવને નિમોનિયા હોવાની પુષ્ટી કરી છે. કિડની 25 ટકા જ કામ કરી રહી છે. જ્યારે રિમ્સના ડૉક્ટરોની ટીમે લાલુ યાદવને એમ્સમાં મોકલવાનો નિર્ણય કર્યો ત્યારે હોસ્પિટલમાં પાર્ટીના નેતાઓ અને સંબંધીઓની ભારે ભીડ લાગી હતી.
ઘાસચારા કૌભાડમાં જેલ ગયા બાદ લાલુ યાદવ રાંચીની રિમ્સમાં લગભગ અઢી વર્ષથી પોતાની સારવાર લઈ રહી હતા. 23 ડિસેમ્બર 2017ના રોજ તેમને કોર્ટે જેલની સજા સંભળાવી હતી. પરંતુ સજા દરમિયાન તેમની તબીયત લથડી હતી. જેના બાદ જેલમાંથી 6 ડિસેમ્બરે 2018ના રોજ રાંચીની રિમ્સમાં શિફ્ટ કરાયા હતા. ત્યારથી સતત રિમ્સમાં તેમની સારવાર ચાલી રહી છે.