નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) પોતાના કાર્યક્રમ ‘ભવિષ્ય કા ભારત’ માં ભાગ લેવા માટે રાજકીય દળો, સામાજિક સંગઠનો, મીડિયા સાથે જોડાયેલા લોકો, ધાર્મિક સંગઠનો અને અન્ય દેશોના પ્રતિનિધિઓને પણ આમંત્રણ કરી રહ્યું છે. ત્યારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અખિલેશ યાદવ, માયાવતી અને મમતા બેનર્જીને પણ આમંત્રિત કર્યા છે. જો કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હજુ સુધી કોઈ આમંત્રણ આપ્યું નથી.

દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 17 સપ્ટેમ્બરથી શરૂ થનારા ત્રણ દિવસીય કાર્યક્રમમાં સંઘ તરફથી રાહુલ ગાંધીને આમંત્રણ આપવાના સમાચારો સાંભળવા મળ્યા હતા. જો કે અત્યાર સુધી આમંત્રણ આપવામાં આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે સંઘની યોજના છે કે, રાહુલ ગાંધીને આ કાર્યક્રમ માટે પર્સનલી આમંત્રિત કરવામાં આવે.

મીડિયા અહેવાલ પ્રમાણે સંઘ આલોચક મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને આરએસએસના કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. દિગ્વિજય સિવાય પશ્ચિમ બંગાળના ફાયર બ્રાન્ડ નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી, માયાવતી અને અખિલેશ યાદવને આમંત્રિત કર્યા છે. એઆઈડીએમકે, ડીએમકે, બીજેડી અને ટીડીપી સહિત દેશના 40 રાજકીય દળોના અધ્યક્ષોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે સંઘ પ્રમુખ મોહન ભાગવતનું ભાષણ હશે. જેમાં તેઓ આરએસએસના વિચાર મુકશે.