Science News: મૃત્યુ એ જીવનનું સૌથી મોટું સત્ય છે, પરંતુ આ પછી પણ કેટલાક લોકો એવા છે જેઓ અમર બનવા માંગે છે અથવા તો તેઓ ફરીથી જીવિત થઈને આજથી હજારો વર્ષ પછી દુનિયાને જોવા માંગે છે. આ માટે અમેરિકામાં એક લેબ ચાલી રહી છે, જે અમીર લોકોના મૃત્યુ પછી તેમના મૃતદેહને ક્રાયૉપ્રિઝરવેશન પ્રક્રિયા હેઠળ ભવિષ્ય માટે સુરક્ષિત રાખે છે.


વાસ્તવમાં, આ લોકો માને છે કે જો ભવિષ્યમાં કોઈ નવી ટેક્નોલોજી આવે જે મૃત શરીરોમાં જીવન પાછું લાવી શકે, તો તેમના મૃત શરીરને ફરીથી જીવંત કરી શકાય છે. અહીં અમે તમને આ લેબ અને આ ટેક્નોલોજી વિશે ડિટેલ્સમાં માહિતી આપી રહ્યાં છીએ. 


કોણ કરી રહ્યું છે આ કામ  
આ આધુનિક લેબ અમેરિકામાં છે. અહીં અલ્કૉર લાઈફ એક્સટેન્શન ફાઉન્ડેશન નામની ક્રાયૉનિક્સ કંપની મૃતદેહોને ભવિષ્ય માટે સાચવી રહી છે. આ કંપનીની વાત કરીએ તો હાલમાં તેમાં 1400 લોકો કામ કરી રહ્યા છે, જ્યારે અત્યાર સુધી આ કંપનીએ એકલા અમેરિકામાં 230 મૃતદેહોને સાચવી રાખ્યા છે. જ્યારે આખી દુનિયાની વાત કરીએ તો આ કંપનીએ 500 જેટલા મૃતદેહોને ભવિષ્ય માટે સાચવી રાખ્યા છે.


કઇ રીતે મૃતદેહોને કરવામાં આવે છે સુરક્ષિત 
આ કંપની ક્રાયૉપ્રિઝર્વેશન પદ્ધતિ દ્વારા મૃતદેહોને સાચવે છે. એટલે કે, મૃતદેહોને -196 ડિગ્રીથી ઓછા તાપમાને ક્રાયૉનિક્સ ટ્યુબમાં રાખવામાં આવે છે. જ્યારે જીવંત કોષો, પેશીઓ અને જૈવિક સામગ્રી 0 થી નીચેના તાપમાને સાચવવામાં આવે છે.


કેટલો આવે છે આનો ખર્ચ 
સામાન્ય રીતે, આખા મૃતદેહના ક્રાયૉપ્રિઝર્વેશન માટે આશરે રૂ. 1.8 કરોડનો ખર્ચ થાય છે. જો કોઈ વ્યક્તિ ફક્ત મૃત વ્યક્તિના મગજને ફ્રીઝ કરવા માંગે છે, તો તેની કિંમત લગભગ 66 લાખ રૂપિયા છે.


શરીરને ઠંડું કરીને સાચવવા માટે શરીરના લોહીને ક્રાયૉપ્રૉટેક્ટન્ટ દ્રાવણથી બદલવામાં આવે છે જેથી તેની અંદર બરફના સ્ફટિકોની રચના અટકાવી શકાય. પછી શરીરને -196 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ કરવામાં આવે છે અને પછી પ્રવાહી નાઇટ્રોજન સાથે વેક્યૂમ-ઇન્સ્યૂલેટેડ મેટલ કન્ટેનરમાં સંગ્રહિત કરવામાં આવે છે.