નવી દિલ્હીઃ કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. વેક્સિનને મંજૂરી મળ્યાના 10 દિવસમાં જ વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ કરવાના કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે સંકેત આપ્યા છે. આજે દેશભરમાં યુપીને બાદ કરતા તમામ રાજ્યોમાં વેક્સિનને લઈ ડ્રાયરન યોજાશે.


આ અતંર્ગત ગુજરાતના 248 તાલુકામાં આજે વેક્સિનનો ટ્રાયલ રન કરાશે. અગાઉ રાજ્યના 33 જિલ્લાઓમાં અને મહાનગરપાલિકાઓમાં મોપ અપ ડ્રાયરન રાઉન્ડની કામગીરી પણ પૂર્ણ કરી દેવાઇ હતી. ત્યારે હવે કેંદ્ર સરકારે તમામ જિલ્લામાં ડ્રાયરનના આદેશ કર્યા છે.

જેના ભાગરૂપે રાજ્યના 248 તાલુકાઓ અને 26 ઝોનમાં તાલુકા/ઝોનદીઠ ત્રણ વેક્સિનેશન સાઇટ ખાતે આ ટ્રાયલ રન કરાશે. પ્રથમ તબક્કામાં 4.33 લાખ સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર નર્સ, હેલ્થ વર્કરો, મલ્ટીપર્પઝ વર્કરો, સુપરવાઇઝર, સ્વિપર સહિતના કર્મીઓને આવરી લેવામાં આવનાર છે.

આ પહેલા બે જાન્યુઆરીના રોજ કોરોના રસીકરણનું ડ્રાય રન કરવામાં આવ્યું હતું. બે જાન્યુઆરીના રોજ લગભગ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ રસીકરણ મામલે જાગરૂક અને ટ્રેનિંગ આપવા માટે અધિકારીઓની ક્ષમતા અને તત્પરતાનું આકલન કરવા માટે ડ્રાય રન કરવામાં આવ્યું. આ દરમિયાન 125 જિલ્લામાં 285 સ્થળ પર ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું.