નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે રાજદ્રોહ કાયદા પર વચગાળાનો સ્ટે મુક્યો હતો. હવે જ્યાં સુધી કેન્દ્ર તેના પર વિચાર ના કરે ત્યાં સુધી આ કલમ હેઠળ કોઈ કેસ નોંધી શકાશે નહીં. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ કાયદા હેઠળ કોઈ નવો કેસ દાખલ ન કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.  રાજદ્રોહના જે આરોપીઓ જેલમાં છે તેઓ જામીન માટે કોર્ટમાં અરજી કરી શકે છે. રાજદ્રોહના કાયદાને આંકડાઓના દૃષ્ટિકોણથી જોઈએ તો ઘણી બાબતો બહાર આવે છે. મહત્વની વાત એ છે કે આ કાયદા હેઠળ ઘણા બધા કેસ નોંધાયા છે પરંતુ દોષિત સાબિત થવાનો દર ઘણો ઓછો છે.


2014 થી 2020 દરમિયાન રાજદ્રોહ કાયદા હેઠળ નોંધાયેલા કેસોના ડેટા પરથી જાણવા મળ્યું છે કે સાત વર્ષમાં 399 કેસ નોંધાયા હતા. તેમાંથી 169માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જ્યારે માત્ર 9 લોકોને સજા થઈ હતી. 399માંથી માત્ર 69 કેસમાં જ ટ્રાયલ પૂર્ણ થઈ હતી.


2014માં રાજદ્રોહના 47 કેસ નોંધાયા હતા. 14 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. એક વ્યક્તિને સજા થઈ હતી. જ્યારે વર્ષ 2015માં 30 લોકો સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો અને કુલ 6 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોઈને સજા થઈ નથી. 2016માં 35 કેસ નોંધાયા હતા. 16 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને એકને સજા થઈ હતી. 2017માં નોંધાયેલા રાજદ્રોહના કેસ વધીને 51 થયા અને 27 કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 2018માં રાજદ્રોહના 70 કેસ નોંધાયા હતા. જેમાં 38 કેસમાં ચાર્જશીટ કરવામાં આવી હતી અને 2 લોકોને સજા કરવામાં આવી હતી.


2019માં 93 લોકો સામે રાજદ્રોહના કેસ નોંધાયા હતા જેમાં 40 કેસમાં ચાર્જશીટ કરવામાં આવી હતી પરંતુ માત્ર એક જ વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. 2020માં 73 લોકો પર રાજદ્રોહ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને 28 કેસોમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. જેમાં 3 લોકોનો ગુનો સાબિત થયો હતો. એટલે કે આ સાત વર્ષમાં દોષિત ઠરેલા માત્ર 9 લોકોને જ સજા થઈ છે.


એટલે કે વર્ષ 2014થી લઇને 2020 સુધીમાં રાજદ્રોહના આરોપો હેઠળ 399 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 169 કેસમાં ચાર્જશીટ દાખલ કરાઇ હતી જ્યારે 9 કેસમાં આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. એટલે કે રાજદ્રોહના કેસમાં દોષિત ઠેરવવાનો દર 2.25 ટકા રહ્યો છે.


શું છે રાજદ્રોહનો કાયદો?


 રાજદ્રોહ અંતર્ગત ભારતમાં સરકારે સામે મૌખિક, લેખિત અથવા સંકેતો કે દૃશ્યરૂપે વિરોધ અથવા વિરોધનો પ્રયત્ન સામેલ કરવામાં આવે છે. રાજદ્રોહ બિનજામીનપાત્ર ગુનો છે. રાજદ્રોહના કેસમાં ત્રણ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે અને સાથે દંડ પણ લાગી શકે છે. આ ઉપરાંત, જો કોઈ અજાણતા રાષ્ટ્ર વિરોધી સંગઠન સાથે સંબંધ રાખે છે અથવા તેને સહકાર આપે છે તો તે પણ રાજદ્રોહ હેઠળ આવશે.


રાજદ્રોહના કેસમાં દોષિત ઠરનાર વ્યક્તિ સરકારી નોકરી માટે અરજી કરી શકતી નથી. તેનો પાસપોર્ટ રદ થઈ જાય છે અને જરૂર પડ્યે તેણે કોર્ટમાં હાજર થવું પડે છે. રાજદ્રોહના કેસમાં દોષિત ઠરે તો 3 વર્ષની જેલની સજા છે અને તેમાં જામીન મળતા નથી.


2018માં કાયદા પંચે શું સૂચન કર્યું હતું.


કલમ 124Aનો ઉપયોગ ફક્ત એવા કિસ્સાઓમાં જ થવો જોઈએ કે જ્યાં કોઈપણ કૃત્ય પાછળનો ઈરાદો જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો અથવા હિંસા અને ગેરકાયદેસર માધ્યમથી સરકારને ઉથલાવી પાડવાનો હોય.


આ દેશોએ હટાવ્યો છે રાજદ્રોહનો કાયદો


યુનાઇટેડ કિંગડમે 2009 માં આ કાયદો નાબૂદ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ નેશનલ સિક્યુરિટી લેજિસ્લેશન એમેન્ડમેન્ટ એક્ટ 2010માંથી રાજદ્રોહ શબ્દ દૂર કર્યો હતો. સ્કૉટલેન્ડે વર્ષ 2010માં આ કાયદો નાબૂદ કર્યો હતો. તે સિવાય દક્ષિણ કોરિયાએ 1988 માં કાનૂની અને લોકશાહી સુધારાઓ દરમિયાન તેના રાજદ્રોહ કાયદાઓને દૂર કર્યા હતા.વર્ષ 2007માં ઇન્ડોનેશિયાએ રાજદ્રોહને "ગેરબંધારણીય" તરીકે જાહેર કર્યો અને કહ્યું કે તે તેના વસાહતી ડચ માસ્ટર્સ પાસેથી લેવામાં આવ્યો છે.