હાથરસ કેસમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રાથમિક તપાસ રિપોર્ટના આધાર પર આ નિર્ણય કર્યો છે. સાથે બંને પક્ષો (પીડિત અને આરોપી) અને સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓના નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
આ પહેલા હાથરસ ગેંગરેપ ઘટનાને લઈ થઈ રહેલી આલોચનાઓ વચ્ચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિવેદન આપ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં માતાઓ-બહેનોના સન્માન-સ્વાભિમાનને ક્ષતિ પહોંચાડનારાઓને સંપૂર્ણ નાશ સુનિશ્ચિત છે.
યોગીએ ટ્વીટ કરીને કહ્યું કે, “તેઓને એવો દંડ મળશે જે ભવિષ્યમાં ઉદાહરણ પૂરુ પાડશે. તમારી ઉત્તર પ્રદેશ સરકાર તમામ માતા બહેનોની સુરક્ષા તથા વિકાસ માટે સંકલ્પબદ્ધ છે. તે અમારો સંકલ્પ છે વચન છે. ”
ઉલ્લેખનીય છે કે, 14 સપ્ટેમ્બરે હાથરસ જિલ્લાનાં ચંદપા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામની 19 વર્ષીય યુવતી સાથે કથિત રીતે ગેંગરેપ થયો હતો, આ યુવતીના કમરના હાડકા તોડી નાખવામાં આવ્યા અને જીભ કાપી લેવામાં આવી હતી, તેના બાદ અલીગઢના જવાહરલાલ નેહરુ મેડિકલ કૉલેજ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતા. તેના બાદ દિલ્હી સ્થિત સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં મંગળવારે તેનું મૃત્યું થયું હતું.