નવી દિલ્હીઃ અબિનેતાથી નેતા બનેલ શત્રુઘ્ન સિંહાએ ભાજપ છોડવાની જાહેરાત કરી છે. રવિવારે સિન્હાએ કહ્યું કે, તેમણે કોંગ્રેસની સાથે જવાનો નિર્ણય કર્યો છે કારણ કે આ જ સાચી રાષ્ટ્રીય પાર્ટી છે અને તેના પારિવારિક મિત્ર લાલૂ પ્રસાદે પણ તેમને આમ કરવાની સલાહ આપી છે. અટલ બિહારી વાજપેયી અને હાલની નરેન્દ્ર મોદી અને અમિત શાહ હેઠળના ભાજપની તુલના કરતાં ભાજપના પૂર્વ નેતા અને સાંસદ શત્રુઘ્ન સિંહાએ કહ્યું હતું કે અગાઉ પાર્ટીમાં 'લોકશાહી' હતી અને હવે 'તાનાશાહી' છે.




કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ વખત બોલતા સિંહાએ વધુમાં કહ્યું હતું કે, 'મમતા બેનરજી, અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા ઘણાં લોકો મને તેમની પાર્ટીમાં સામેલ કરવા માગે છે. પરંતુ મેં કહ્યું હતું કે જે કંઇ પણ સ્થિતિ હશે, સ્થળ તો એ જ રહેશે, એટલે હું આ સ્થળે આવ્યો છું.'

પીએમ મોદી અને અમિત શાહ હેઠળના વર્તમાન અને વાજપેયીના શાસનકાળના પૂર્વ ભાજપની તુલના કરતાં સિંહાએ ઉમેર્યું હતું કે અટલ બિહારીના શાસનમાં સામૂહિક નિર્ણય લેવાતો હતો. એ વખતે ખરા અર્થમાં લોકશાહી હતી. પરંતુ હવે મામલો વન-મેન શો અને ટૂ-મેન આર્મી સુધી મર્યાદિત રહી ગયો છે. જોકે સિંહાએ કબૂલ્યું હતું કે ભાજપને છોડી દેવું તેમના માટે 'દુખદાયી' હતું.