સંજય રાઉતે પત્રમાં લખ્યું છે કે, NDAથી અલગ થયા હોવાની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી તેમ છતાં બિનજરૂરી રીતે ભરવામાં આવેલા પગલાનું કારણ હું સમજી શકતો નથી. આ ફેંસલાથી ગૃહની ગરિમાને પ્રભાવિત કરી છે. મને પહેલી, બીજી કે ત્રીજી હરોળમાં સીટ ફાળવવામાં આવે અને ગૃહની ગરિમા જાળવી રાખવામાં આવે તેવી હું અરજી કરું છું.
સંજય રાઉતે મંગળવારે કહ્યું હતું કે, સરકાર બનાવવામાં સમય લાગે છે. સામાન્ય પ્રક્રિયા દરમિયાન આવું નથી થતું પરંતુ રાષ્ટ્રપતિ શાસનમાં તમારે અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
મહારાષ્ટ્રમાં ગત મંગળવારથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા.