શિવસેનાના કોર્પોરેટર કિશોરી પેડનેકરની મુંબઈના નવા મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે શિવસેનાના સુહાસ વાડેકરની ડેપ્યુટી મેયર પદ માટે પસંદગી કરવામાં આવી છે. કિશોરી પેડનેકર આગામી અઢી વર્ષ સુધી BMCના મેયર રહેશે. 227 બેઠકો ધરાવતી BMCમાં કિશોરી પેડણેકરની પસંદગી નિર્વિરોધ કરવામાં આવી છે. મેયર બન્યા બાદ કિશોરીએ જણાવ્યું હતું કે, મુંબઈના રસ્તા પર પડનારા ખાડાની સમસ્યા દૂર કરવી તે તેમની પ્રાથમિકતા હશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને લોકો સુધી ચોખ્ખુ પાણી પહોંચાડવુ પણ તેમની પ્રાથમિકતા હશે.
ઉલ્હાસનગરમાં મેયર પદ માટે શિવસેનાની લીલાબાઈ આશાનીથી વિજયી બન્યા હતાં. તેમણે ભાજપના ઉમેદવાર જીવન ઈદનાનીને 8 મતોથી હરાવ્યા હતાં. શિવસેનાની લીલાબાઈ આશાનને 43 મત મળ્યા હતાં જ્યારે ભાજપના જીવન ઈદનાનીને 35 મત મળ્યા હતા. ડેપ્યુટી મેયર પદની ચૂંટણીમાં પણ શિવસેના-એનસીપી-કોંગ્રેસ અને ભાજપના જ અસંતુષ્ઠ કોર્પોરેટરોએ આરપીઆઈ આઠવલે જુથના ઉમેદવાર ભગવાન ભાલેરાવને 44 મતોથી જીતાડ્યા હતાં. અહીં પણ ભાજપના વિજય પાટિલ ડેપ્યુટી મેયર પદની ચૂંટણી હારી ગયા હતાં.