Nephew Killed His Aunt: રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક વૃદ્ધ મહિલાની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં હત્યારાએ શ્રદ્ધા હત્યા કેસ જેવી જ પેટર્ન અપનાવી હોવાનો સનસની ખુલાસો થતા દેશભરમાં ચકચાર મચી જવા પામી છે. મહિલા સરોજની હત્યા કેસમાં પોલીસે ખુલાસો કર્યો હતો કે, ભત્રીજાએ તાઈની હત્યા કરી તેની લાશના 10 ટુકડા કર્યા હતા. ત્યારબાદ આ ટુકડાઓને દિલ્હીના જંગલોમાં ફેંકી દેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને મૃતદેહના ટુકડા પણ કબજે કર્યા હતા. 


પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપી 'હરે કૃષ્ણ મૂવમેંટ’સાથે સંકળાયેલો છે. તેમણે આરોપી યુવકની પૂછપરછના આધારે જણાવ્યું હતું કે, તાઈની હત્યા બાદ શ્રદ્ધા મર્ડર કેસ જોઈને તેના મનમાં તેના મૃતદેહના ટુકડાનો નિકાલ કરવાનો વિચાર આવ્યો હતો.


પોલીસે જણાવ્યું હતું કે, યુવકનું એમ પણ કહેવું છે કે, તે તેની તાઈ એટલે કે કાકી દ્વારા કરવામાં આવતી રોકટોકથી પરેશાન હતો. બીજી તરફ હરે કૃષ્ણ ચળવળના પ્રવક્તાએ કહ્યું હતું કે, અનુજ છેલ્લા એક વર્ષથી તેમની પ્રવૃત્તિઓમાં સામેલ ન હતો. જયપુર નોર્થ ડેપ્યુટી કમિશનર પેરિસ દેશમુખે જણાવ્યું હતું કે, 11 ડિસેમ્બરે શહેરના વિદ્યાધર નગર પોલીસ સ્ટેશનમાં એક મહિલાના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુવક અનુજ શર્મા ઉર્ફે અચિન્ત્ય ગોવિંદ દાસ (33)એ ફરિયાદ નોંધાવી હતી કે તેની માતા સરોજ શર્મા (65) બપોરે 2-3 વાગ્યે મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળી હતી. હજુ ઘરે પરત ફર્યા નથી. તેણે એમ પણ જણાવ્યું હતું કે મહિલા કેન્સરથી પીડિત હતી.


હત્યાનું કારણ આવ્યું સામે


દેશમુખના જણાવ્યા અનુસાર, અનુજ શર્માની ઉંડી પૂછપરછ કરતાં તેણે તેની કાકીને માથા પર હથોડી વડે માર્યાની કબૂલાત કરી હતી. તેણે કહ્યું હતું કે, આરોપીનું કહેવું છે કે 11 ડિસેમ્બરે બપોરે તાઈએ તેને બહાર જતો અટકાવ્યો, જેને લઈને માતા પર તેને ગુસ્સે આવ્યો હતો અને આવેશમાં આવીને તેના માથા પર હથોડી વડે હુમલો કર્યો હતો. તેણે પોલીસને એમ પણ જણાવ્યું હતું કે, તેણે મૃતદેહના ટુકડા કરવા માટે એક દુકાનમાંથી એક સ્ટોન કટર ખરીદ્યું હતું. ત્યાર બાદ મૃતદેહને બાથરૂમમાં લઈ જઈને તેના અનેક ટુકડા કર્યા હતાં. ત્યાર બાદ આ ટુકડા તેને એક સૂટકેસ અને ડોલમાં ભરીને કારમાં લઈ જઈ દિલ્હી રોડ પર જંગલ સહિત અનેક જગ્યાએ ફેંકી દીધા હતાં. 


પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આ સાથે જ બનાવમાં વપરાયેલ હથોડી, કટર મશીન, ડોલ, સૂટકેસ અને અન્ય વસ્તુઓ પણ કબજે કરી હતી. આ મામલે હજી વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.