Shraddha Walkar Murder : શ્રદ્ધા વોકર મર્ડરમાં સનસનીખેજ ખુલાસા જાણે હજી પણ અટકવાનું નામ નથી લઈ રહ્યાં. દિલ્હી પોલીસે તેની ચાર્જશીટમાં જણાવ્યું છે કે, આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધા વાલકરની હત્યાના ત્રણ મહિના બાદ તેનું માથું દાટી દીધું હતું. આ સાથે આરોપીઓએ શ્રધ્ધાના હાડકાને મિક્સરમાં પીસીને પાવડર બનાવી નાખ્યો હતો અને ત્યાર બાદ તેને ઠેકાણે પાડ્યો હતો.  દિલ્હી પોલીસે 24 જાન્યુઆરીએ 6629 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં હત્યા સાથે જોડાયેલા તમામ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.


પોલીસની ચાર્જશીટ મુજબ, આફતાબે આરસ-કટીંગ મિક્સર ગ્રાઇન્ડર વડે શ્રદ્ધાના શરીરના અનેક હાડકાંને લોટની માફક દળી નાખ્યા હતા. પાવડર બનાવ્યા બાદ તેને રસ્તા પર જુદી જુદી જગ્યાએ ભભરાવી દીધો હતો. જ્યારે તેણે મૃત શરીરને બાળી નાખવા અને આંગળીઓને અલગ કરવા માટે સ્પાર્કસ સાથે ટોર્ચનો ઉપયોગ કર્યો. તેમજ હત્યાના 3 મહિના બાદ આફતાબે શ્રદ્ધાના માથાનો ભાગનો નિકાલ કર્યો હતો અને તેને ફેંકી દીધો હતો.


પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ પૂછપરછ દરમિયાન આફતાબે શ્રદ્ધાની હત્યા પર અફસોસ વ્યક્ત કર્યો હતો. સાથે એમ પણ જણાવ્યું હતું કે, હત્યાનું કારણ નાની-નાની વાત પર ઝઘડો હતો. બંનેએ હત્યાના દિવસે 18 મે 2022ના રોજ મુંબઈ જવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ અચાનક આફતાબને ટિકિટ કેન્સલ થઈ ગઈ, ત્યારબાદ બંને વચ્ચે ખર્ચને લઈને ઝઘડો થયો. જેથી આફતાબ શ્રદ્ધાની ઉપર બેસી ગયો અને તેનું ગળું દબાવી દીધું હતું.


હત્યા કર્યા બાદ તેણે પહેલા લાશને મોટી કોથળીમાં ભરીને ફેંકી દેવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તે એક મોટી બેગ પણ લાવ્યો હતો, પરંતુ બાદમાં તેને લાગ્યું કે તે બેગ સાથે પકડાઈ શકે છે.  માટે તેણે મૃતદેહના અલગ-અલગ ટુકડા કરવાનો પ્લાન બનાવ્યો હતો. ચાર્જશીટમાં દિલ્હી પોલીસે જણાવ્યું છે કે, શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ઝઘડાનું મુખ્ય કારણ આફતાબની ઘણી છોકરીઓ સાથે મિત્રતા હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેની દિલ્હીથી દુબઈ સુધીની યુવતીઓ સાથે મિત્રતા હતી.


આફતાબે પોલીસને જણાવ્યું હતું કે, શ્રદ્ધાના મૃતદેહના 35 ટુકડા કર્યા બાદ તેને ફ્રિજમાં રાખ્યા અને બાદમાં અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા. મૃતદેહના 20થી ઓછા ટુકડાઓ મળી આવ્યા છે. તેણે શ્રદ્ધાના શરીરને કાપવા માટે કરવત, એક હથોડી અને 3 ચાકુનો ઉપયોગ કર્યો હતો. શ્રદ્ધાનું શરીર કાપતી વખતે આફતાબના હાથના ભાગે પણ ઈજા થઈ હતી.


હત્યા બાદ જ્યારે આફતાબની એક ગર્લફ્રેન્ડ ઘરે આવતી ત્યારે તે ફ્રિજમાંથી શ્રદ્ધાના મૃતદેહના ટુકડા કાઢી રસોડામાં મૂકી દેતો હતો અને બહાર જતાં જ તેને ફરીથી ફ્રિજમાં મૂકી દેતો હતો. ગૂગલના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, શ્રદ્ધાનું એકાઉન્ટ 18 મેથી આફતાબના ફોન પરથી ચાલી રહ્યું હતું. 18 મેના રોજ ચાર્જશીટમાં દિલ્હી પોલીસે શ્રદ્ધા અને આફતાબના તમામ લોકેશન દર્શાવ્યા છે, જે દર્શાવે છે કે આફતાબનો ફોન શ્રદ્ધાની હત્યા બાદ તેની સાથે હતો.


ચાર્જશીટ મુજબ, 18 મેની રાત્રે આફતાબે ફક્ત પોતાના માટે ઝોમેટોથી ચિકન રોલ મંગાવ્યો હતો કારણ કે તે જ દિવસે શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ ત્રણ દિવસ સુધી આફતાબે પાણીની ઘણી બધી બોટલો મંગાવી હતી.


ચાર્જશીટ રજૂ કરતી વખતે પોલીસે આ કેસના મુખ્ય આરોપી આફતાબ પૂનાવાલાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં હાજરી દરમિયાન આફતાબે પોતાનો વકીલ બદલવાની માંગ કરી હતી. આફતાબે કોર્ટમાં કહ્યું હતું કે, ચાર્જશીટની કોપી તેના વકીલને બદલે તેને આપવામાં આવે.