Smriti Irani VS Priyanka Gandhi : કર્ણાટકમાં ચૂંટણી પ્રવૃતિઓ પૂરજોશમાં ચાલી રહી છે. આરોપ પ્રત્યારોપની રાજનીતિ બરાબરની જામી છે. જ્યાં હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ મોરચો સંભાળી લીધો છે. તેમણે રાજ્યના લોકોને ભાજપને મત આપવા અપીલ કરી હતી. આ સાથે જ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું અને ગંભીર કહી શકાય તેવો આરોપ લગાવ્યો છે.
ઈન્ડિયા ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં સ્મૃતિ ઈરાનીએ દાવો કર્યો હતો કે, તેમણે પ્રિયંકા ગાંધી વાડ્રાને અમેઠીમાં નમાજ અદા કરતા જોયા હતા. તેમણે વધુમાં કહ્યું કે, જે લોકો ઈસ્લામમાં વિશ્વાસ કરે છે અને નમાઝ અદા કરે છે તેઓ મૂર્તિની પૂજા કરી શકે નહીં. કદાચ આ જ કારણ છે કે, કોંગ્રેસના ટોચના નેતૃત્વએ રામ મંદિરના નિર્માણની મંજૂરી આપી નથી.
બીજી તરફ કોંગ્રેસે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું હતું. તેના પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, પીએફઆઈ જેવા સંગઠનો આતંકવાદી ષડયંત્રમાં સામેલ હતા, તેમની સરખામણી બજરંગ દળ સાથે કરવી ખોટી છે. કોંગ્રેસ હિંદુ વિરોધી છે.
તાજેતરમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ 'બજરંગ બલી' ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જેના પર ઈરાનીએ કહ્યું કે જે લોકો બજરંગ બલીનું નામ લેતા ગુસ્સે થઈ રહ્યા છે, તેઓ હિન્દુઓથી કેટલા નારાજ થઈ રહ્યા હશે? માત્ર કોંગ્રેસ પાર્ટી જ રામ ભક્તો વિરુદ્ધ બોલી શકે છે.
આ આક્ષેપ અગાઉ પણ કરવામાં આવ્યો હતો
અગાઉ 2019ની ચૂંટણીમાં પણ ઈરાનીએ આવો જ દાવો કર્યો હતો. તેમણે તે સમયે કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધી અમેઠીમાં વોટ માટે નમાજ અદા કરે છે. ત્યાર બાદ તે મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવા જાય છે.
યુનિફોર્મ સિવિલ કોડને લઈને સ્મૃતિએ કહ્યું કે...
અન્ય એક ઈન્ટરવ્યુમાં સ્મૃતિ ઈરાનીએ કર્ણાટકમાં ભાજપની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારા મેનિફેસ્ટોમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ છે. તેનાથી દરેક વર્ગની મહિલાઓ મજબૂત થશે. આ ઉપરાંત એક વર્ષમાં ત્રણ સિલિન્ડર મફત આપવાનું વચન આપ્યું હતું. તેમણે કોંગ્રેસને ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી.