ઈન્દોરઃ દેશમાં કોરનાના કહેર વચ્ચે 800થી વધારે લોકો સંક્રમણથી મુક્ત થઈ ગયા છે. સંક્રમણ મુક્ત થયેલા લોકો જ્યારે તેમના ઘરે પરત ફરે ત્યારે શંખ, થાળી વગાડીને કે ફૂલો દ્વારા સ્વાગત કરે છે.  પરંતુ આ દરમિયાન મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણથી મુક્ત થયેલા યુવક સાથે પડોશીઓ દ્વારા અછૂત જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. જેના કારણે યુવકે ‘મારે ઘરે વેચવું છે....’ તેવું પોસ્ટર તેના મકાન પર લગાવવું પડ્યું છે.


મળતી માહિતી પ્રમાણે, મધ્યપ્રદેશના શિવપુર જિલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિએ તેના મનોબળના આધારે કોરોના સામે જંગ જીત્યો પરંતુ પડોશીઓ દ્વારા કરવામાં આવી રહેલા વ્યવહારથી તેનું મનોબળ તૂટી ચુક્યુ છે અને તે ઘર વેચીને પરિવાર સાથે અન્ય ઠેકાણે રહેવા ઈચ્છે છે.



યુવકે કહ્યું, બીમારી તો કોઈને પણ થઈ શકે છે પરંતુ આવો વ્યવહાર કોઈની સાથે ન કરવો જોઈએ. પડોશીઓ મારા ઘરે ન તો શાકભાજી આવવા દે છે કે ન તો દૂધવાળાને આવવા દે છે. એટલું જ નહીં રાતે કેટલાક લોકો મારા ઘરનો દરવાજો ખખડાવીને ગાળો આપીને ઘર ખાલી કરીને જતા રહેવા મજબૂર કરી રહ્યા છે. સોસાયટીમાં અમારો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેના કારણે કંટાળીને મેં મારા ઘરની બહાર મકાન વેચવાનું છે તેવું બોર્ડ લગાવ્યું છે.


દેશમાં દિનપ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા નવ હજારને પાર કરી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે હાલ દેશમાં 9152 લોકો કોરોનાથી સંક્રમિત છે. જયારે 308 લોકોએ જીવ ગુમાવ્યો છે.