નવી દિલ્હીઃ દિલ્હીથી જબલપુર જઈ રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટ શનિવારે સવારે ઉડાણ ભર્યાના થોડી મિનિટો બાદ દિલ્હી એરપોર્ટ પર પરત ફરી હતી. સ્પાઈસજેટના પ્રવક્તાએ માહિતી આપી હતી કે ફ્લાઈટના ટેકઓફ બાદ જ્યારે વિમાન 5000 ફૂટની ઉંચાઈએ પહોંચ્યું ત્યારે પાઈલટની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. આ પછી પ્લેનને દિલ્હી એરપોર્ટ પર પાછું લેન્ડ કરવામાં આવ્યું હતું.






વિમાનના ઈમરજન્સી લેન્ડિંગની માહિતી મળ્યા બાદ શિવસેનાના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ DGCA પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે હોર્સ ટ્રેડિંગ માટે પસંદગીની એરલાઇન હોવાને કારણે DGCA એરલાઇન સામે પગલાં લઈ શકે નહીં. તેમણે કહ્યું કે મુસાફરોનો જીવ બચાવવાનારા ક્રૂ મેમ્બર્સને સલામ.


સમાચાર એજન્સી ANI દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે પ્લેનમાં ધુમાડો છવાયો હતો. ધુમાડાના કારણે અંદર બેઠેલા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લેનના ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને હાલ પૂરતા એરપોર્ટ પર રાખવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુસાફરોને અન્ય પ્લેન મારફતે જબલપુર મોકલવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે 19 જૂનના રોજ સ્પાઇસ જેટના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પ્લેનમાં આગના સમાચાર મળ્યા બાદ દિલ્હી જઈ રહેલા પ્લેનને પટના એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું. આ પ્લેનમાં 185 લોકો સવાર હતા. પ્લેનના પંખામાં લાગેલી આગને નીચેથી લોકોએ જોઈ હતી, ત્યારબાદ લોકોએ તરત જ પટના પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ પછી ઘટનાની જાણ એરપોર્ટને કરવામાં આવી હતી. ત્યારબાદ આ વિમાનને પરત લાવવામાં આવ્યું હતું.