ઓડિશા:  દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. કોરોનાની મહામારી સામે લડવા ડૉક્ટર, આરોગ્યકર્મીઓ અને પોલીસ દિવસ રાત પોતાની ફરજ બજાવી રહ્યાં છે. અનેક જગ્યાએ સ્વાસ્થ્ય કર્મીઓ કોરોનાથી સંક્રમિત હોવાના મામલા સામે આવ્યા છે. ત્યારે કોરોના સામેની જંગ લડનારા કોરોના યોદ્ધાઓ ડૉક્ટર્સ અને તમામ સ્વાસ્થ્યકર્મીઓને લઈ ઓડિશા સરકારે મોટો નિર્ણય લીધો છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે જાહેરાત કરી છે કે, જો કોરોનાની મહામારી સામે જંગ લડી રહેલા કોરોના વૉરિયર્સનું મોત નીપજે તો તેમને શહીદનો દરજ્જો આપવામાં આવશે અને રાજકીય સન્માન સાથે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે.


એટલું જ નહીં, કોરોના સામેની લડાઈમાં આગળની કતરામાં ઉભેલા શહીદ થનારા કોરોના વોરિયર્સને 50 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવશે. નવીન પટનાયકે કહ્યું કે ભારત સરકારની પહેલ સાથે રાજ્ય સરકાર તે સુનિશ્ચિત કરશે કે તમામ સ્વાસ્થ્ય કર્મીઓ(ખાનગી અને સરકારી) અને અન્ય તમામ આવશ્યક સેવાઓના સદસ્યોને 50 લાખ રૂપિયા આપવામાં આવે, જે કોરોના સામેની જંગમાં પોતાનો જીવ ગુમાવે છે.



સીએમ પટનાયકે વધુમાં કહ્યું કે, મરનાર તમામ સ્વાસ્થ્યકર્મીઓને રાજ્ય સરકાર શહીદ માનશે અને રાજકીય સન્માન સાથે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ ઉપરાંત તેમના અદ્વીતિય બલિદાનને જોતા એક એવોર્ડની રચના કરવાની પણ વિસ્તૃત યોજના છે. આ પુરસ્કાર રાષ્ટ્રીય દિવસ પર આપવામાં આવશે. તેઓએ કહ્યું, સ્વાસ્થ્યકર્મીઓ વિરુદ્ધ કોઈ પણ કૃત્ય રાજ્ય વિરુદ્ધ કરવામાં આવેલું કાર્ય છે. સ્વાસ્થ્યકર્મીઓ સાથે ગેરવર્તન કરનાર સામે આપરાધિક કાર્યવાહી કરવામાં આવશે.

ઓડિશામાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 99 છે અને એકનું મોત થયું છે.