નવી દિલ્હી: સરકારી નોકરીમાં પ્રમોશન મુદ્દે સુપ્રીમ કોર્ટે આજે મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં સુધી સંવિધાન પીઠ આ મુદ્દા પર અંતિમ નિર્ણય નથી લેતી ત્યાં સુધી તે કાયદા પ્રમાણે એસસી/એસટી કર્મચારીઓના પ્રમોશનમાં અનામત આપી શકે છે. કોર્ટના આ નિર્ણય સાથે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પ્રમોશનનો રસ્તો પણ સ્પષ્ટ થઈ ગયો છે.
આ પહેલા મુખ્ય અદાલતમાં સુનાવણી દરમિયાન સરકારે કહ્યું હતું કે, કર્મચારીઓને પ્રમોશન આપવાની જવાબદારી સરકારની છે. પરંતુ અલગ અલગ હાઇ કૉર્ટના નિર્ણયના કારણે પ્રમોશન અટકી ગયું હતું. તેના પર કૉર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર એસસી/એસટીના કર્મચારીઓને પ્રમોશનમાં અનામત હાલમાં આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રમોશનમાં અનામતનો મુદ્દો ખૂબજ વિવાદિત રહ્યો છે. દલિતોના પક્ષ રાખનાર આ મામલે સરકાર પર સતત સવાલ ઉઠાવતા રહ્યા છે. તેમનું માનવું છે કે સરકાર તરફથી અદાલતમાં મજબૂતીથી પક્ષ નહીં રાખવાનાં કારણે પ્રમોશનમાં આરક્ષણ નથી મળી રહ્યું. થોડા સમય પહેલા એસસી/એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટ દ્વારા બદલાવ કર્યા બાદ મોદી સરકાર ઘેરાયલી હતી અને દલિતોમાં વધુ આક્રોશ જોવા મળ્યો હતો. તેની વચ્ચે સુપ્રીમ કોર્ટે સરકારને પ્રમોશનમાં અનામત આપવાની લીલી ઝંડી આપી દીધી છે.
નોકરીમાં પ્રમોશનમાં અનામતને લઈને વિભિન્ન હાઈકોર્ટ અને સુપ્રીમ કૉર્ટના આદેશના કારણે કર્મચારી વિભાગે 30 સપ્ટેમ્બર 2016 ના રોજ આદેશ આપી તમામ પ્રકારના પ્રમોશન પર રોક લગાવી દીધી હતી.