નવી દિલ્હીઃ સપ્રીમ કોર્ટે એક મહત્વનો આદેશ આપ્યો હતો. જેમાં રાજકીય પક્ષોને તેમના ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડ સાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આદેશનું પાલન ન કરવા પર અવમાનની કાર્યવાહી થઈ શકે તેમ પણ જણાવ્યું છે.


સુપ્રીમ કોર્ટે ગુરુવારે રાજકીય પક્ષોને આદેશ આપતાં જણાવ્યું કે, પાર્ટીઓ ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડ અખબાર, વેબસાઇટ્સ અને સોશલ સાઇટ્સ પર પ્રકાશિત કરે. ઉપરાંત એવો પણ સવાલ કર્યો કે રાજકીય પક્ષોની એવી તે શું મજબૂરી છે કે તેઓ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે.

અદાલતના ફેંસલા મુજબ, તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર કર્યાના 72 કલાકની અંદર ચૂંટણી પંચને તેની જાણકારી આપવી પડશે. ઉપરાંત જાહેર કરેલા ઉમેદવારની જાણકારી સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધ કરાવવા પડશે. ઉમેદવાર પર દાખલ થયેલા તમામ અપરાધી કેસ, ટ્રાયલ અને ઉમેદવારની પસંદગીનું કારણ પણ જણાવવું પડશે.


વકીલ અશ્વિની ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, જો કોઈ ઉમેદવાર કે રાજકીય પક્ષ આદેશનું પાલન નહીં કરે તો તેને કોર્ટની અવમાનના માનવામાં આવશે. તમામ ઉમેદવારોએ અખબારમાં તેની જાણકારી આપવી પડશે. જો કોઈ નેતા સોશિયલ મીડિયા, અખબાર કે વેબસાઈટ પર તમામ જાણકારી આપે તો ચૂંટણી પંચ તેમની સામે પગલાં ભરી શકે છે.