Excise Policy Cases: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઈ કેસમાં પણ કેજરીવાલને જામીન આપી દીધા છે. ED કેસમાં તેમને પહેલા જ જામીન મળી ચૂક્યા છે. હવે તેમને CBI કેસમાં પણ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જેના કારણે હવે તેમના માટે જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.






જો કે જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે. જામીન માટેની એ જ શરતો તેમના પર લાગુ થશે, જે ED કેસમાં જામીન આપતી વખતે લાદવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ કોઈપણ ફાઇલ પર સહી કરી શકશે નહીં. આ સાથે તેમની ઓફિસ જવા પર પણ પ્રતિબંધ રહેશે. એટલું જ નહીં, તેઓ આ કેસ મામલે કોઈ નિવેદન કે ટિપ્પણી પણ કરી શકશે નહીં.


શું હશે જામીન માટેની શરતો?


- અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય જઈ શકશે નહીં.


- કોઈપણ ફાઇલ પર સહી કરી શકશે નહીં.


- કેસ સંબંધિત બાબતો પર જાહેરમાં ચર્ચા કે ટિપ્પણી નહીં કરે.


- તપાસમાં અવરોધ કે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ નહીં કરે.


- જરૂર પડશે તો ટ્રાયલ કોર્ટમાં હાજર થશે અને તપાસમાં સહકાર આપશે.


 


શું છે દિલ્હીનું કથિત દારૂ કૌભાંડ?


17 નવેમ્બર 2021ના ​​રોજ દિલ્હીની કેજરીવાલ સરકારે આબકારી નીતિ 2021-22 લાગુ કરી હતી. નવી પોલીસી હેઠળ સરકાર દારૂના બિઝનેસમાંથી બહાર આવી હતી અને  ધંધામાંથી બહાર આવી અને તમામ દુકાનો ખાનગી વેપારીઓના હાથમાં જતી રહી હતી. દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે નવી દારૂ નીતિ માફિયા શાસનનો અંત લાવશે અને સરકારની આવકમાં વધારો કરશે. જો કે, આ નીતિ શરૂઆતથી જ વિવાદમાં હતી અને જ્યારે વિવાદ વધ્યો ત્યારે સરકારે તેને 28 જુલાઈ 2022 ના રોજ રદ કરી હતી.






દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારના રિપોર્ટથી 8 જુલાઈ, 2022ના રોજ કથિત દારૂ કૌભાંડનો ખુલાસો થયો હતો. આ રિપોર્ટમાં તેમણે મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. બાદમાં દિલ્હીના એલજી વીકે સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. આ પછી સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. પૈસાની ગેરરીતિના આરોપો પણ હતા તેથી EDએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ પણ નોંધ્યો હતો. પોતાના રિપોર્ટમાં મુખ્ય સચિવે મનીષ સિસોદિયા પર દારૂની પોલિસી ખોટી રીતે તૈયાર કરવાનો આરોપ લગાવ્યો હતો.






સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા, 156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે