નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. તેની વચ્ચે સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના ટેસ્ટ માટે RT-PCR ટેસ્ટની કિંમત નક્કી કરવા માટે કેંદ્ર, રાજ્ય અને કેંદ્રશાસિત પ્રદેશોને નોટિસ જાહેર કરી છે. એક અરજીમાં કહેવામાં આવ્યું છે કે RT-PCR ટેસ્ટની કિંમત 400 રૂપિયા સુધી કરવામાં આવે. જેનાથી લોકોને ફાયદો થશે અને વધારે કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા નોટિસ જાહેર કરી બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે.


દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને આરટી-પીસીઆર મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરીની શરૂઆત કરી હતી. કોરોના ટેસ્ટીંગ માટે આઈસીએમઆરે દેશમાં સ્પાઈસ જેટના સ્પાઈસ હેલ્થ સાથે પ્રાઈવેટ ભાગીદારી સાથે આ મોબાઈલ લેબોરેટરી શરૂ કરી હતી.

આરટી-પીસીઆર મોબાઈલ ટેસ્ટીંગ લેબોરેટરીના માધ્યમથી કોશિશ છે કે જે વિસ્તારોમાં કોવિડના કેસ વધુ મળી રહ્યા છે ત્યાં વેન જઈને લોકોનો સ્થળ ઉપર જ ટેસ્ટ કરી આપે. હવે કોરોના ટેસ્ટ 500 રૂપિયા ખર્ચીને કરાવી શકાય છે. આ ટેસ્ટના પરિણામ પણ લોકોને એ જ દિવસે મળી જશે. જો કે આવું અત્યારે માત્ર દિલ્હીમાં જ થઈ રહ્યું હોવાથી તેને સમગ્ર દેશમાં લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી છે.