નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ભાજપને રથયાત્રાની મંજૂરીને લઈને સુપ્રીમ કોર્ટે પણ ઝટકો આપ્યો છે. કોર્ટે હાલમાં પશ્ચિમ બંગાળમાં ભાજપને રથયાત્રાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. મંગળવારે સુપ્રીમ કૉર્ટે કહ્યું કે આ રથયાત્રાને લઇને રાજ્ય સરકારે જે સવાલ ઉઠાવ્યા છે તે નિરાધાર હોઈ શકે નહીં. જો કે કોર્ટે કહ્યું કે ભાજપ પોતાની સભાઓ અને રેલીઓ માટે નવા કાર્યક્રમનો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલે. સાથે કૉર્ટે રાજ્ય સરકારને કહ્યું કે ભાજપના નવા પ્રસ્તાવ પર સંવિધાનિક જોગવાઈઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લે. જેથી રાજનીતિક દળના મૌલિક અધિકાર પ્રભાવિત ન થાય.
મમતા સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે પોલીસ અને ગુપ્ત જાણકારી અનુસાર રાજ્યમાં ભાજપની રથયાત્રાથી કાયદા-વ્યવસ્થા ખોરવાઇ શકે છે. પરંતુ નાની-મોટી સભાઓથી સરકારને કોઈ જ વાંધો નથી. ત્યારે બીજી તરફ ભાજપે કહ્યું કે રથયાત્રામાં 40 દિવસનો કાર્યક્રમ પ્રસ્તાવિત હતો. પરંતુ રાજ્ય સરકારના વલણને જોતા પાર્ટીએ તેમાં ઘટાડો કર્યો છે.
નોંધનીય છે કે ડિસેમ્બરમાં ભાજપ પશ્ચિમ બંગાળમાં રથયાત્રા કાઢવાની હતી અને આ યાત્રામાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ થવાના હતા. પરંતુ મમતા સરકારે કાયદો વ્યવસ્થાનો હવાલો આપતા યાત્રા પર રોક લગાવી દીધી હતી. જેના બાદ ભાજપે રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ હાઈકોર્ટે પણ રથયાત્રાને મંજૂરી આપી નહતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.