ગુજરાતના આશરે 5 લાખ ફિક્સ પગારદારો લાંબા સમયથી આ પ્રકારની માંગણી ઊઠાવી રહ્યા છે, જે મુદ્દો પણ અદાલતમાં પેન્ડિંગ છે. એ સંજોગોમાં બિહાર અંગેનો સર્વોચ્ચ અદાલતનો ચૂકાદો ગુજરાતના ફિક્સ પગારદારોને લાગુ પડશે કે કેમ એ વિશે વ્યાપક અટકળો વહેતી થઈ છે. જોકે, બિહાર અને ગુજરાત બંનેના કિસ્સા અલગ હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે કે બિહારને લઇને સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગુજરાતના ફિક્સ પગારદારોને નડશે નહીં.
બિહારમાં આ કર્મચારીઓને જાહેર થયેલ મહેકમ (સરકારી નોકરીની જગ્યા) વગર ભરતી આપવામાં આવી હતી. ઉપરાંત, તેમને નિયત થયેલ ભરતી પ્રક્રિયા વગર નોકરી પર રાખવામાં આવ્યા હતા. એ માટેની આવશ્યક યોગ્યતાઓ તેમજ કાર્યવાહી પણ બાદમાં થયેલી હોવાથી નોકરીના પ્રથમ દિવસથી તેમને સમાન વેતન લાગુ કરી શકાય નહીં.સુપ્રીમ કોર્ટે આ મામલાને લઇને 11 અરજીઓ પર સુનાવણી કરી હતી ત્યારબાદ કોર્ટે 3 ઓક્ટોબર 2018ના રોજ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
નોંધનીય છે કે બિહારમાં સમાન કાર્ય માટે સમાન પગારની માંગ કરીને ફિક્સ પગારદારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. આ અગાઉ પટણા હાઇકોર્ટે શિક્ષકોના તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને બિહાર સરકારને સમાન પગાર આપવાના નિર્દેશ આપ્યા હતા.
ગુજરાતમાં તમામ ફિક્સ પગારદારો જાહેર થયેલ મહેકમ મુજબની જગ્યાઓ પર જ પસંદગી પામ્યા છે. તેમની નિમણૂંકની પ્રક્રિયા પણ નિયત થયેલ ધોરણસરની છે તેમજ તમામ કર્મચારીઓ આવશ્યક લાયકાત સાથે નિયત થયેલ પરીક્ષાઓ પાસ કર્યા પછી પસંદગી પામ્યાં છે. બિહાર અંગેના સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી ગુજરાતના ફિક્સ પગારદારો માટે સમાન કામ-સમાન વેતનની માગમી સંતોષાવાની શક્યતા વધુ ઉજળી બની છે.