દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ કેસમાં બે દોષિતોની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ એનવી રમના, જસ્ટિલ અરૂણ મિશ્રા, જસ્ટિલ રોહિંટન ફલી નરીમન, જસ્ટિસ આર. ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણની પાંચ જજોની બેંચે વિનય શર્મા અને મુકેશ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. પહેલા વિનય શર્માએ અને પછી મુકેશે ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી હતી.


કયા આધારે દાખલ કરાઈ હતી ક્યૂરેટિવ અરજી

આ અરજીમાં આરોપી વિનય શર્માએ કહ્યું હતું કે, આ કાર્યવાહીના કારણે આરોપીનો આખો પરિવાર હેરાન થયો છે. પરિવારની કોઈ ભૂલ ન હતી, તેમ છતા તેમને સામાજિક હેરાનગતિ અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ વકીલ એપી સિંહે કહ્યું કે, આરોપીના માતા પિતા વૃદ્ધ અને ગરીબ છે. આ કેસમાં આ લોકો બરબાદ થઈ ગયા છે તેમની પાસે કંઈ વધ્યું નથી.


દોષિતોની ક્યૂરેટિવ પિટીશન ફગાવાતાં નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, દોષિતોએ ફાંસીમાં વિલંબ કરવા માટે ક્યૂરેટિવ પિટીશન કરી હતી. આજનો દિવસ અમારા માટે બહુ મહત્વનો છે. હું છેલ્લા 7 વર્ષથી સંઘર્ષ કરી રહી હતી. પરંતુ સૌથી મહત્વનો દિવસ 22 જાન્યુઆરી હશે જ્યારે ચારેય દોષિતોને ફાંસીના માંચડે ચડાવવામાં આવશે. 22 જાન્યુઆરીએ જ મારી દીકરીને ન્યાય મળશે.

શું હતો મામલો?

16 ડિસેમ્બર 2012ના રોજ નિર્ભયા ગેંગરેપનો શિકાર થઈ હતી. 9 મહિના બાદ એટલે કે સપ્ટેમ્બર 2013માં નીચલી કોર્ટે તમામ દોષિતોને ફાંસીની સજા ફટકારી હતી. માર્ચ 2014માં હાઈકોર્ટ અને 2017માં સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા બરકરાર રાખી હતી. આ ક્રૂર કાંડના એક આરોપી રામ સિંહે તિહાડ જેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી, જ્યારે એક અન્ય દોષી સગીર હતો અને ત્રણ વર્ષ સુધી સુધાર ગૃહમાં રહ્યા બાદ તેને મુક્ત કરવામાં આવ્યો હતો.