નવી દિલ્હીઃ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટાને લીલી ઝંડી આપી દીધી છે. કોર્ટે પ્રોજેક્ટ એરિયામાં સ્મોગ ટાવર લગાવવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અલગ અલગ અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે, યોગ્ય કાયદો પસાર કર્યા વગર આ યોજના શરૂ કરવામાં આવી છે. તેના માટે જરૂરી પર્યાવરણની મંજૂરીની પ્રક્રિયામાં અનેક ખામીઓ છે. આ પ્રોજેક્ટ માત્ર નાણાનો વેડફાટ છે. નવી સંસદ બનવાને કારણે આસપાસની ઐતિહાસિક ઇમારતોને નુકસાન પહોંચી શકે છે.


અરજીના જવાબમાં સરકારે કહ્યું હતું કે, હાલની સંસદ બદલાતી જરૂરિયાતો પ્રમાણે અપૂરતિ સાબિત થઈ રહી છે. નવા સેન્ટ્રસ વિસ્ટાનું નિર્માણ કરવાથી ન માત્ર પર્યાવરણનું ધ્યાન રાખવામાં આવશે પરંતુ હેરિટેજ ઈમારતોને નુંકસાન પણ નહી પહોંચાડવામાં આવે.

શું છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ હેઠળ નવા સંસદ પરિસરનું નિર્માણ કરવાનું છે. તેમાં 876 સીટોવાળી લોકસભા, 400 સીટોવાળી રાજ્યસભા અને 1224 સીટોવાળો સેન્ટ્રલ હોલ બનાવવામાં આવશે. સંયુક્ત બેઠક દરમિયાન સભ્યોને અલગથી ખુરશી લગાવીને બેસવાની જરૂરિયાત ખતમ થઈ જશે. સેન્ટ્રલ વિસ્ટામાં એકબીજા સાથે જોડાયેલી 10 ઈમારતોમાં 51 મંત્રાલયો બનાવવામાં આવશે. હાલ આ મંત્રાલયો એક બીજાથી દૂર 47 ઈમારતોમાં ચાલી રહ્યાં છે. મંત્રાલયોને નજીકના મેટ્રો સ્ટેશન સાથે જોડવા માટે જમીન માર્ગ પણ બનાવવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનની નજીક વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ માટે નવું નિવાસસ્થાન બનાવવમાં આવશે. હાલ બંન્ને નિવાસ સ્થાનો રાષ્ટ્રપતિ ભવનથી દૂર છે.