નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા અંગેનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ટ્વિટ કર્યું હતું.  જેમાં તેમણે સુષમાને અભિનંદન આપ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI દ્વારા હર્ષવર્ધનના ટ્વિટને લઈ પોસ્ટ પણ કરી હતી. હર્ષવર્ધને ટ્વિટ કરીને લખ્યું, ભાજપના વરિષ્ઠ નેતા અને મારા દીદી પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનવા પર અભિનંદન તથા શુભકામના. તમામ ક્ષેત્રોમાં તમારા લાંબા અનુભવથી રાજ્યની જનતાને લાભ થશે. જોકે, બાદમાં હર્ષવર્ધને પોતાનું આ ટ્વિટ ડિલિટ કરી દીધું છે.


સુષમા સ્વરાજ થોડા સમય પહેલા પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી  લડ્યા નહોતા. ચૂંટણી નહીં લડવા માટે તેમણે સ્વાસ્થ્યનું કારણ જણાવ્યું હતું.

વિદેશ મંત્રી તરીકે તેઓ પ્રવાસી ભારતીયોમાં ઘણા લોકપ્રિય રહ્યા હતા. આ ઉપરાંત એક ટ્વિટથી અનેક લોકોની મદદ તેમણે કરી હતી. 2004થી 2014 સુધી તેઓ યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન લોકસભામાં વિપક્ષ નેતા હતા.