નવી દિલ્હી: દિલ્હી હિંસામાં આઈબી અધિકારીની અંકિત શર્માની હત્યા બદલ ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના સસ્પેન્ડ નેતા તાહિર હુસેનને કરકરદુમા કોર્ટે સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. તાહિર હુસેનને ગુરુવારે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમે કોર્ટ પાર્કિંગમાંથી ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસે તાહિર હુસેનને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો.


ધરપકડ પૂર્વે તાહિર હુસેને તેના ઉપરના તમામ આક્ષેપોને ફગાવી દેતા કહ્યું હતું કે મને ફસાવવામાં આવી રહ્યો છે. ઉપદ્રવીઓએ મારા ઘરનો દુરૂપયોગ કર્યો છે.

તાહિર હુસેને કહ્યું હતું કે હું કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છું. ભાજપે મને એક ષડયંત્ર હેઠળ ફસાવી દીધો છે. મેં મારા ઘરમાંથી ઉપદ્રવીઓને ડંડાથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. હું નાર્કો ટેસ્ટ માટે પણ તૈયાર છું. પોલીસે મને મારા ઘરેથી બચાવી લીધો હતો.

તાહિર હુસેનની ક્રાઈમ બ્રાંચની એસઆઈટીએ પુછપરછ માટે સવાલોની યાદી તૈયાર કરી છે. તેને પુછવામાં આવશે કે 23 ફેબ્રુઆરીએ દિવસ દરમિયાન તે ક્યાં હતા? 24 અને 25 ફેબ્રુઆરીએ તેના ચાંદ બાગ સ્થિત ઘરની અગાશી પર આટલા પથ્થર, પેટ્રોલ બોમ્બ, પોલીથિનમાં તેજાબ અને ગુલેલ ક્યાંથી આવ્યા? શું તેની હાજરીમાં આ સામાન અગાશી પર પહોંચ્યો? 24 અને 25 ફેબ્રુઆરીએ ત્યાં ક્યાં ક્યાં ગયા હતા? 25 ફેબ્રુઆરીએ જે સમયે અંકિત શર્માની હત્યા થઈ ત્યારે તે ક્યાં હતાં?