નવી દિલ્હીઃ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ મંગળવારથી જંતર મંતર પર આમરણાંત ઉપવાસ પર બેસશે. ટ્વિટ કરીને તેમણે આ જાણકારી આપી છે.


માલીવાલે ટ્વિટ કરીને કહ્યું, ખૂબ થયું! નાની છ વર્ષની બાળકી અને હૈદરાબાદ રેપ પીડિતાની ચીસો મને 2 મિનિટ પણ બેસવા નથી દેતા. બળાત્કારીને કોઈપણ સંજોગોમાં 6 મહિનામાં ફાંસી થાય. આ કાનૂનને લાગુ કરવા માટે હું કાલથી જંતર-મંતર પર આમરણાંત ઉપવાસ પર બેસી રહી છું. જ્યાં સુધી મહિલાઓની સુરક્ષાની કોઈ ગેરંટી નહીં મળે ત્યાં સુધી અનશન કરીશ.


હૈદરાબાદમાં ડોક્ટર મહિલાનું સ્કૂટી ખરાબ થઈ ગયું હતું. સૂમસામ જગ્યાએ ગાડી ખરાબ થવાના કારણે તે ડરી ગઈ હતી. પરિવારજનોને તેણે ફોન પર આ અંગે જાણ પણ કરી હતી. બાદમાં તેનો ફોન બંધ થઈ ગયો હતો અને સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં ડોક્ટર સાથે બનેલી આ ઘટના સામે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જ્યારે રાજસ્થાનના ટોંક જિલ્લામાં શનિવારે લાપતા થયેલી 6 વર્ષની બાળકીનું શબ સ્કૂલ ડ્રેસમાં રવિવારે મળ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ બાળકી પર રેપ કરવામાં આવ્યા બાદ તેને સ્કૂલ બેલ્ટથી ગળું દબાવીને મારી નાંખવામાં આવી હતી. બાળકીની બોડી ખેતડી ગામ પાસે એક અવાવરું જગ્યાએ ઝાડીમાંથી મળ્યો હતો. ઘટના સ્થળેથી શરાબની બોટલો, સ્નેક્સ અને લોહીના ડાઘ પણ મળ્યા છે.