T20 World Cup, IND vs PAK : ટી20 વર્લ્ડકપમાં ભારત તેના અભિયાનની શરૂઆત કટ્ટર હરિફ પાકિસ્તાન સામે મેચ રમીને કરશે. 24 ઓક્ટોબરે રમાનારા મુકાબલાની અત્યારથી ક્રિકેટપ્રેમીઓ રાહ જોઈ રહ્યા છે. ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે પણ મેદાન પર ટકરાય ત્યારે હંમેશા તણાવપૂર્ણ માહોલ હોય છે. આ દરમિયાન કાશ્મીરમાં થઈ રહેલી આતંકી પ્રવૃત્તિના કારણે ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થવાની વાત વાયુવેગે પ્રસરી રહી છે. મોદી સરકારના દિગ્ગજ મંત્રી ગિરિરાજ સિંહ, બિહારની ડેપ્યુટી સીએમ તારકિશોર પ્રસાદ બાદ અસદુદ્દીન ઓવૈસીએ પણ આ મેચનો વિરોધ કર્યો છે.
શું કહ્યું ઓવૈસીએ
સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, એઆઈએમઆઈએમના પ્રમુખ ઓવૈસીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં દેશના 9 સૈનિકો શહીદ થયા છે અને 24 મી તારીખે ભારત-પાકિસ્તાન ટી-20 મેચ યોજાશે. તેમણે કહ્યું કે શું PM મોદીએ નહોતું કહ્યું કે સૈનિકો મરી રહ્યા છે અને મનમોહન સિંહની સરકાર બિરયાની ખવડાવી રહી છે. પરંતુ હવે જ્યારે 9 સૈનિકો શહીદ થઈ ગયા તો પણ તમે ટી-20 રમશો.. જે બાદ તેમણે પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવને લઈ પણ મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. તેણે કહ્યું પ્રધાનમંત્રી મોદી પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવની સાથે ચીનને લઈ કંઈ બોલતા નથી. પીએમ ડરે છે એટલે તે કંઈ બોલતા નથી.
મોદી સરકારના મંત્રી ગિરિરાજ સિંહે શું કહ્યું હતું
ભાજપના નેતા ગિરિરાજ સિંહે કહ્યું, જ્યારે બંને દેશો વચ્ચે સંબંધો સારા ન હોય ત્યારે તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે. જોધપુરમાં જળ સંસાધન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ઘરે શ્રદ્ધાંજલિ સભામાંથી નીકળ્યા બાદ તેમણે કહ્યું, કોંગ્રેસ બેવડા વલણની રાજનીતિ કરી રહી છે. આગામી સમયમાં કોંગ્રેસનું નિશાન આ ધરતી પરથી સાફ થઈ જશે. જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને લઈ ટી20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મુકાબલાને લઈ તેમણે કહ્યું, પાકિસ્તાન સાથે સંબંધો સારા નથી ત્યારે મેચ પર પુનર્વિચાર કરવો જોઈએ.
ત્રણ દાયકાથી વર્લ્ડકપમાં ભારતને નથી હરાવી શક્યું પાકિસ્તાન
પાકિસ્તાનનું હંમેશા સપનું વર્લ્ડકપમાં ભારતને હરાવવાનું રહ્યું છે. પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી આ સપનું પૂરું થઈ શક્યું નથી. ભારત અને પાકિસ્તાન વર્લ્ડકપમાં પ્રથમ વખતે 1992માં ટકારાયા હતા. જે બાદ 2007માં જ્યારે ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ ત્યારથી આ બંને હરિફ દેશો આ ફોર્મેટમાં ટકરાઈ રહ્યા છે પરંતુ તેમ છતાં કોઈપણ ફોર્મેટમાં પાકિસ્તાન ભારતને આજદિન સુધી હરાવી શક્યું નથી.
ટી20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા
વિરાટ કોહલી,( કેપ્ટન) રોહિત શર્મા (વાઇસ કેપ્ટન) લોકેશ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી
સ્ટેન્ડ બાય ખેલાડીઃ શ્રેયસ ઐય્યર, અક્ષર પટેલ, દીપક ચહર
આ ખેલાડીઓ કરાવશે પ્રેક્ટિસ
આ ઉપરાંત અવેશ ખાન, ઉમરાન મલિક, હર્ષલ પટેલ, લુકમન મેરિવાલા, વેંકટેશ ઐયર, કર્ણ શર્મા, શાહબાઝ અહમદ અને કે.ગૌથમ ટીમ ઈન્ડિયાના બાયો બબલમાં ખેલાડીઓની પ્રેક્ટિસ માટે રહેશે.