નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. ત્યારે આ વાયરસની સારવાર માટે અનેક દેશોમાં કોરોના વેક્સીની ટ્રાયલ ચાલી રહી છે. તેની વચ્ચે તમિલનાડુ સરકારે રાજ્યની જનતાને મફત કોરોના વેક્સીન આપવાની જાહેરાત કરી દીધી છે. તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીએ કહ્યું કે, એકવાર કોરોના વેક્સીન તૈયાર થઈ જશે તેના બાદ રાજ્યના તમામ લોકોને મફતમાં રસી આપવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં રાજ્યની જનતાને મફતમાં કોરોના વેક્સીન આપવાનું વચન આપ્યું છે. તેને લઈને હવે રાજનીતિ પણ શરુ થઈ ગઈ છે. પાર્ટીની ભારે ટીકા થઈ રહી છે અને વિપક્ષી પાર્ટીઓ તેને ચૂંટણીની ચાલ ગણાવી રહ્યાં છે. વિવાદ બાદ ભાજપે સ્પષ્ટતા કરી હતી.

નાણામંત્રી નિર્મલા સીતારણે બિહાર બીજેપી અધ્યક્ષ સંજય જયસ્વાલ સહિત અન્ય નેતાઓની હાજરીમાં ગુરુવારે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. ભાજપ તરફથી જાહેર કરવામાં આવેલા ઘોષણા પત્રમાં 5 સૂત્ર, 1 લક્ષ્ય, 11 સંકલ્પનો વાયદો કરવામાં આવ્યો છે. પાર્ટીએ સરકાર બનવા પર સમગ્ર બિહારમાં ફ્રી કોરોના રસી આપવાની તથા 10 લાખ નોકરી આપવાનો વાયદો કર્યો છે.



આરજેડી નેતા તેજસ્વી યાદવે વેક્સીનને લઈ સવાલ ઉઠવતા ભાજપ પ્રહાર કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે, કોરોનાની રસી દેશની, ભાજપની નથી. કૉંગ્રેસ નેતા શશિ થરૂરે પણ ટ્વીટ કરી ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, “તમે મને વોટ આપ હું તમને વેક્સીન” સાથે તેમણે ચૂંટણી આયોગને ધ્યાન દોરવા કહ્યું છે.