9 માર્ચે એક 'હાઈસ્પીડ મિસાઈલ ' પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પપ્રવેશી અને તેના પંજાબ પ્રાંતના ખાનવાલ જિલ્લામાં મિયાં ચન્નુ પાસે પડી. અગાઉ શુક્રવારે, ભારત સરકારે કહ્યું હતું કે બે દિવસ પહેલા, એક મિસાઈલ આકસ્મિક રીતે ફાયર કરવામાં આવી હતી, જે પાકિસ્તાનમાં પડી હતી અને "ખેદજનક" ઘટના નિયમિત જાળવણી દરમિયાન ટેકનિકલ  ખામીને કારણે થઈ હતી. હવે આ ઘટના પર વિવિધ દેશોના નિવેદન સામે આવ્યાં  છે. 


શું કહ્યું અમેરિકાએ ? 
અમેરિકા આ ​​મામલામાં ભારતની સાથે ઉભું હોય તેવું લાગી રહ્યું છે.અમેરિકાએ કહ્યું છે કે તાજેતરમાં પાકિસ્તાનમાં ભારત દ્વારા ઈરાદાપૂર્વક મિસાઈલ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના કોઈ સંકેત નથી. સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે સોમવારે એક કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમારી પાસે કોઈ સંકેત નથી કારણ કે તમે અમારા ભારતીય પાર્ટનર્સ પાસેથી પણ સાંભળ્યું છે કે આ ઘટના એક અકસ્માત સિવાય બીજું કંઈ નથી.


પ્રાઈસે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, કોઈપણ ફોલો-અપ કાર્યવાહી માટે અમે તમને ભારતીય સંરક્ષણ મંત્રાલય પાસે મોકલીએ છીએ. તેમણે 9 માર્ચે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી કે શું થયું હતું. અમારી પાસે આનાથી વધુ કોઈ માહિતી નથી.


ઉચ્ચ સ્તરીય તપાસ માટે સત્તાવાર આદેશ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારત દ્વારા પાકિસ્તાન પર ભૂલથી છોડવામાં આવેલી મિસાઈલ અંગે રાજ્યસભામાં આ બાબતે ખુલાસો કરતા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.  રાજનાથ  સિંહે વધુમાં કહ્યું કે બાદમાં જાણવા મળ્યું કે મિસાઈલ પાકિસ્તાનના વિસ્તારમાં પડી હતી. તેમણે આ ઘટનાને "ખેદજનક" ગણાવીને ઉમેર્યું હતું કે રાહતની વાત છે કે કોઈ નુકસાન થયું નથી.રાજનાથ  સિંહે રાજ્યસભામાં જણાવ્યું કે આ ઘટનામાં ઉચ્ચ સ્તરીય તપાસ માટે સત્તાવાર આદેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું "હું ગૃહને જણાવવા માંગુ છું કે સરકારે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે અને ઉચ્ચ સ્તરીય તપાસ માટે સત્તાવાર આદેશ આપવામાં આવ્યો છે." 


ભારતના ખુલાસાથી પાકિસ્તાન અસંતુષ્ટ 
પાકિસ્તાને શનિવારે કહ્યું હતું કે તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પડેલા મિસાઇલના આકસ્મિક ફાયરિંગ પર ભારતના સ્પષ્ટીકરણથી ખુલાસાથી સંતુષ્ટ  નથી. પાકિસ્તાને આ ઘટના સાથે જોડાયેલા  તથ્યો જાણવા માટે સંયુક્ત તપાસની માંગ કરી હતી. પાકિસ્તાની વિદેશ કાર્યાલયે કહ્યું હતું કે આ ઘટના સુરક્ષા પ્રોટોકોલ અને પરમાણુ વાતાવરણમાં આકસ્મિક અથવા અનધિકૃત મિસાઈલ પ્રક્ષેપણ સામે ટેક્નિકલ  સુરક્ષાના સંદર્ભમાં ઘણા મૂળભૂત પ્રશ્નો ઉભા કરે છે. ભારતના સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં મિસાઈલનું નામ નથી આપવામાં આવ્યું, પરંતુ પાકિસ્તાન સેના દ્વારા આપવામાં આવેલી વિગતો દર્શાવે છે કે તે બ્રહ્મોસ મિસાઈલ હોઈ શકે છે.