ભારત દુનિયાના સૌથી મોટા કોરોના વેક્સીનેશન અભિયાનની તૈયારી કરી રહ્યું છે. તેને લઈને સરકારની તરફથી ફૂલ પ્રૂફ પ્લાનિંગ છે. વેક્સીન કઈ રીતે લોકો સુધી પહોંચાડવી તેની ખાસ તૈયારી થઈ છે. જેમાં રોજ 100 લોકોને વેક્સીન આપવાની તૈયારી છે. ગુજરાત, પંજાબ, આસામ, આંધ્રપ્રદેશમાં ડ્રાય રનનું પરિણામ સકારાત્મક જોવા મળ્યું છે.


ચાર રાજ્યોમાં વેક્સિનેશનનો ડ્રાય રન કર્યા બાદ આજે દેશભરમાં ડ્રાય રન યોજાવાનો છે. ત્યારે આજે ગુજરાતમાં પણ ફરી ડ્રાય રનનું આયોજન કરાશે. ગુજરાતમાં ભાવનગર, દાહોદ, વલસાડ અને આણંદ જિલ્લામાં ડ્રાય રન હાથ ધરાશે. ચાર જિલ્લામાં ડ્રાય રન યોજવા માટે તૈયારીઓને આખરી ઓપ આપવામા આવી રહ્યો છે.

દાહોદમાં ઝાયડસ મેડિકલ કોલેજ, ભાવનગરમાં સર ટી જનરલ હોસ્પિટલ વલસાડમાં જીએમઈઆરએમ મેડિકલ કોલેજ, આણંદમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં વેક્સીનેશનનો ડ્રાય રન યોજાશે. કુલ 25 25 વ્યક્તિને આ ડ્રાય રન માટે બોલાવવામાં આવશે. મહત્વનું છે કે આ પહેલા 28 અને 29 ડિસેમ્બરે ગાંધીનગર અને રાજકોટ જિલ્લામાં ડ્રાય રન યોજવામાં આવ્યો હતો.

વેક્સીન સપ્લાય સિસ્ટમ માટે મળતી માહિતિ અનુસાર દેશમાં 31 મોટા સ્ટોક હબ હશે. આ સ્ટોક હબથી દરેક રાજ્યોને 29 હજાર વેક્સીનેશન પોઈન્ટ્સ સુધી વેક્સીનના સપ્લાય કરાશે. સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે લોકોને વેક્સીનેશનમાં આર્થિત બાબતો નડશે નહીં.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે એક્સપર્ટ પેનલે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશિલ્ડને ઈમરજન્સી યૂઝ માટે મંજૂરી આપી છે. હવે ડીજીસીએએ તેની પર નિર્ણય લેવાનો છે. બ્રિટનમાં આ વેક્સીનને ઈમરજન્સી યૂઝ માટેની મંજૂરી મળી ચૂકી છે.