નવી દિલ્હી:  કેન્દ્રીય મંત્રી અને એલજેપી નેતા રામવિલાસ પાસવાનનું નિધન થયું છે. પાસવાન છેલ્લા લાંબા સમયથી બિમાર હતા, તેઓએ દિલ્હીની એસ્કોર્ટ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાં છે. રામવિલાસના પુત્ર ચિરાગ પાસવાને ટ્વિટ કરીને જાણકારી આપી છે. રામવિલાસ પાસવાનનું હાલમાં જ એક ઓપરેશન થયું હતું. તેઓ 74 વર્ષના હતા.

ચિરાગ પાસવાને ટ્વીટ કરીને લખ્યું કે, પાપા.... હવે તમે આ દુનિયામાં નથી પરતું મને ખબર છે આપ જ્યાં પણ હશો ત્યાં હંમેશા મારી સાથે છો.


રામવિલાસ પાસવાન 24 ઓગસ્ટથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ હતા. શરૂઆતમાં તેઓ રુટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ થયા હતા પરંતુ તેમની તબીયત વધારે બગડતા આઈસીયૂમાં દાખલ કરાયા હતા.

રામવિલાસ પાસવાન દેશનૌ સૌથી અનુભવી નેતાઓમાંના એક હતા. તેઓ 9 વખત લોકસભા અને બે વખત રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. પાસવાસ પાસે 6 વડાપ્રધાન સાથે કામ કરવાનો અનોખો રેકોર્ડ છે.  હાલમાં તેઓ બિહારથી રાજ્યસભા સાંસદ હતા.

લોક જનશક્તિ પાર્ટીના સંસ્થાપક રામવિલાસ પાસવાનો જન્મ બિહારના ખગડિયાના શાહરબન્નીમાં 5 જુલાઈ, 1946માં થયો હતો. તેમમે 1969માં રાજકારણમાં પગ મુક્યો હતો. આ પહેલા તેમને 1969માં જ બિહાર પોલીસના ડીએસપી તરીકે પસંદગી થઈ હતી. રામવિલાસ પાસવાને વર્ષ 2000માં લોક જનશક્તિ પાર્ટીની સ્થાપના કરી હતી.