નવી દિલ્હીઃ મોદી સરકારના વધુ એક મંત્રીને કોરોનાનો ચેપ લાગ્યો છે. આ વખતે જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત કોરોનાની ઝપેટમાં  આવ્યા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને આ વાત કહી અને હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.

ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વિટ કરીને કહ્યું, અસ્વસ્થતાના કેટલાક લક્ષણ જોવા મળતાં મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટર્સની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકો ઓઈસોલેટ થઈ જાય અને ટેસ્ટ કરાવે તેવી વિનંતી છે. તમે બધા સ્વસ્થ રહો અને પોતાનું ધ્યાન રાખો.



આ પહેલા મોદી સરકારના ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પણ કોરોનાનો ચેપ લાગી ચુક્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 28, 36,952 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 6, 86,395 થઈ છે અને 20, 96, 664 લોકો ઠીક થઈ ગયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 69,652 નવા દર્દી સામે આવ્યા છે અને 977 લોકોના મોત થયા છે.