નવી દિલ્હી: મોદી સરકાર ટોલ પ્લાઝા પર હવે રોકડા પૈસાથી ટોલ ટેક્સ ચુકવવાની વ્યવસ્થા ખતમ કરવા જઈ રહી છે.  હવે ફાસ્ટટેગથી ટોલ વસુલવામાં આવશે. તેના માટે હવે વાહનો પર ફાસ્ટ ટેગ લગાવવું ફરજીયાત બનશે. સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ લોકસભામાં જાહેરાત કરી હતી કે ટોલ પ્લાઝા પર કેસથી લેવડ-દેવડ બંધ કરવામાં આવશે. જે વાહનો પર ફાસ્ટ ટેગ લગાવેલ હશે તેને જ ટોલ પ્લાઝાથી પસાર થવા દેવામાં આવશે. આગામી ચાર મહીનામાં તમામ વાહનોમાં ફાસ્ટ ટેગ લગાવવું ફરજીયાત કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે દેશમાં અનેક ટોલ નાકા પર કર્મચારીઓ સાથે મારપીટના કિસ્સા સામે આવ્યા છે. હાલમાં જ એક અઠવાડિયા પહેલા ઉત્તરપ્રદેશના ઇટાવાથી ભાજપ સાંસદ રામા શંકર કઠેરિયા અને તેના સુરક્ષાકર્મીઓએ ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી. એવામાં સરકારે એવો નિર્ણય કર્યો છે કે હવેથી કોઈ પણ ટોલ પ્લાઝા પર કેસની લેવડ-દેવડ નહીં થાય.

જો કે ગડકરીએ રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ દ્વારા થતી કમાણીને યોગ્ય ગણાવી છે. ગડકરીનો તર્ક છે કે જો સારા માર્ગોનો ઉપયોગ કરવો છે તો તેના નિર્માણ માટે લોકોએ ટેક્સ આપવું પડશે.

ગડકરીએ સ્પષ્ટા કરી છે કે નાના રસ્તાઓ અને નાના વાહનો પર કોઈ ટોલ લઈ શકાઈ નહીં. ગડકરીએ તેમાં કેટલીક છૂટ આપવા પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું છે. ગડકરીએ કહ્યું કે સ્કૂલના વાહનો અને સરકારી બસોને ટોલમાંથી મુક્તિ આપવા પર વિચાર થઈ શકે છે.