લખનઉઃ હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીના પરિવારજનોને ઉત્તર પ્રદેશ સરકારે વળતર આપવાનો નિર્ણય કર્યો છે. આ હેઠળ સરકાર કમલેશ તિવારીના પરિવારને 15 લાખ રૂપિયા વળતર સ્વરૂપે આપશે અને સીતાપુરમાં એક મકાન આપશે. ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કમલેશ તિવારીની હત્યા મામલે ધરપકડ કરાયેલા આરોપીઓનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે હત્યાના પાંચ દિવસ બાદ મુખ્ય આરોપીઓ અશફાક અને મોઇનુદ્દીનને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા હતા. બંન્ને આરોપીઓને કોર્ટે ત્રણ દિવસની ઉત્તર પ્રદેશ પોલીસની કસ્ટડીમાં મોકલી દીધા હતા. પોલીસ આ આરોપીઓની પૂછપરછ કરી કમલેશ તિવારી હત્યાકાંડ સાથે જોડાયેલા અન્ય લોકોની જાણકારી મેળવશે.

કમલેશ તિવારીની માતા કુસુમ તિવારી અને દીકરા સત્યમ તિવારીએ કહ્યું કે, હત્યારાઓને ફાંસી મળવી જોઇએ અને તેમના પરિવારને વાય કેટેગરીની સુરક્ષા પણ મળવી જોઇએ.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રારંભિક પૂછપરછમાં બંન્નેએ વિવાદીત નિવેદનનો બદલો લેવા માટે હત્યાની વાત કબૂલ કરી હતી. પોલીસના મતે કમલેશના કાતિલ અશફાક અને મોઇનુદ્દીન પાસે રૂપિયા ખત્મ થઇ ગયા હતા. ત્યારબાદ બંન્નેએ પરિવાર અને કેટલાક ઓળખીતા લોકોનો સંપર્ક કર્યો હતો જેને કારણે ગુજરાત એટીએસનું કામ સરળ થઇ ગયું હતું.


કમલેશ તિવારીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો  થયો હતો કે અશફાક અને મોઇનુદ્દીને પાંચ વખત ચાકુઓથી વાર કર્યો હતો અને એક ગોળી પણ ચલાવી હતી. તિવારીના માથામાં 32 બોરની ગોળી પણ ફસાયેલી મળી હતી.