લખનઉઃ નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો વિરુદ્ધ યોગી સરકારે કડક વલણ અપનાવ્યું છે. લખનઉના ગોમતીનગરના ઉજિયાવ ગામમાં ત્રણ દિવસથી ધરણા પર બેસેલી 125 મહિલાઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.


એફઆઇઆર પોલીસ ચોકી ઇન્ચાર્જ હુસૈન અબ્બાસ તરફથી ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. મહિલાઓ વિરુદ્ધ આઇપીસીની કલમ 120બી, 145 અને 188 હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. કલમ 144ના ભંગ પર પોલીસે કેસ દાખલ કર્યો છે. પોલીસે પ્રદર્શન રોકવા માટે 144 કલમ લગાવી હતી પરંતુ લોકો પર આરોપ છે કે તેમણે કલમ 144નો ભંગ કરતા સીએએ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

લખનઉમાં સીએએના વિરુદ્ધ કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે. જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. પોલીસે અગાઉ પણ અનેક મહિલાઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી હતી અને ગુરુવારે પણ વધુ મહિલાઓ વિરુદ્ધ દાખલ કરી હતી.