Budget 2022: સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં બે હિંદુસ્તાન છે. એક ગરીબોનું અને એક અમીરોનું. રોજગારી શોધવા માટે ઉત્તર પ્રદેશ અને બિહારમાં રેલવેની નોકરી માટે યુવાઓએ અરજી કરી પણ શું થયું. આ અંગે તમે કાંઇ કહ્યું નથી. ગરીબ હિંદુસ્તાન પાસે આજે રોજગારી નથી. રાષ્ટ્રપતિના અભિભાષણમાં બેરોજગારી અંગે એક શબ્દ નહોતો. આજનો યુવા રોજગારી શોધી રહ્યો છે પરંતુ તમારી સરકાર આપી શકતી નથી.


તેમણે આંકડાઓને ટાંકીને દાવો કર્યો હતો કે છેલ્લા વર્ષે 3 કરોડ યુવાઓએ રોજગારી ગુમાવી છે.  તમે વાત કરી રહ્યા છો રોજગારી આપવાની. 2021માં 3 કરોડ યુવાઓએ રોજગારી ગુમાવી દીધી છે. 50 વર્ષમાં સૌથી વધુ બેરોજગારો આજે હિંદુસ્તાનમાં છે. તમે મેક ઇન ઇન્ડિયાની વાત કરી, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત કરી પરંતુ જે રોજગારી આપણા યુવાઓને મળવી જોઇએ તે મળી નથી અને જે હતુ તે પણ ગાયબ થઇ ગયું અને આ સચ્ચાઇ છે.






રાહુલ ગાંધીએ દાવો કર્યો કે યુપીએની સરકારે 10 વર્ષમાં 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હતા. આ અમારા આંકડા નથી. અમે 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હતા અને તમે 23 કરોડ લોકોને ગરીબીમાં પાછા ધકેલી દીધા છે. અસંગઠિત ક્ષેત્રમાં મોનોપોલી બની ગઇ છે. કોરોના કાળમાં સહયોગ આપ્યો નથી.


રાહુલ ગાંધીએ કહ્યું કે આ બે હિંદુસ્તાન કેવી રીતે પેદા થયા? રોજગારી આપણા સ્મોલ એન્ડ મિડિયમ ઇન્ડસ્ટ્રીઝ અને ઇનફોરમલ સેક્ટરમાં બને છે. લાખો કરોડ રૂપિયા તમે તેમની પાસેથી છીનવી હિંદુસ્તાનના સૌથી અમીર અબજપતિઓને આપી દીધા. છેલ્લા વર્ષે તમે આ સેક્ટર પર એક પછી એક વાર કર્યા છે. અસંગઠિત સેક્ટરો પર તમે નોટબંધી, ખોટા જીએસટી અને કોરોના સમયમાં જે સપોર્ટ તેઓને આપવો જોઇએ તેટલો આપ્યો નથી. પરિણામે દેશમાં આજે 84 ટકા દેશવાસીઓની આવક ઘટી છે અને તેઓ ગરીબીમાં ધકેલાઇ રહ્યા છે.