અમેરિકાએ ભારતને સતર્ક રહેવાની સૂચનાની સાથે સાથે ચીન દ્વારા કોઈ પણ અવળચંડાઈ કરાય ને કોઈ કટોકટી સર્જાય તો તુરંત પહોંચી વળાય એ માટે અમેરિકાના વિમાન વાહક યુદ્ધ જહાજ યુએએસએસ રોનાલ્ડ રેગન સહિત ચાર યુદ્ધ જહાજો આંદામાન નજીક મોકલી દીધાં છે.
યુએસએસ રોનાલ્ડ રેગન મલેશિયાના સમુદ્રી વિસ્તારમાં ઘણા સમયથી પેટ્રોલિંગ કરી રહ્યું હતું. અમેરિકાએ 9 ઓક્ટોબરે તેને મલેશિયા પાસેથી રવાના કરીને આંદામાન સમુદ્ર વિસ્તારમાં મોકલ્યું છે. આગામી દિવસોમાં આ યુધ્ધ જહાજ હિન્દ મહાસાગરમાં ડેરો જમાવશે.
યુએસએસ રોનાલ્ડ રેગન સાથે બે મિસાઈલ ક્રૂઝર સાથેનાં 3 નાના યુદ્ધ જહાજો પણ છે. આ પહેલા પણ થોડા સમય પહેલા અમેરિકાએ પોતાના યુદ્ધ જહાજને હિન્દ મહાસાગારમાં મોકલ્યું હતું. આ જહાજ અમેરિકી નૌકાદળના સેવન્થ ફ્લીટનો ભાગ છે. આ ફ્લીટનું કામ જ એશિયા-પેસેફિક વિસ્તારમાં તૈનાત રહેવાનું છે. 1 લાખ ટન કરતા વધારે વજન ધરાવતા યુએસએસ રોનાલ્ડ રેગનનો સમાવેશ જગતના સૌથી કદાવર યુદ્ધજહાજોમાં થાય છે.