અમેરિકાની ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે આજે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે આ ફોન કોલ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસના અનુરોધ  પર કરવામાં આવ્યો હતો.


પ્રધાનમંત્રી મોદીએ  પોતે ટ્વીટ કરતા આ વાતની જાણકારી આપી હતી.  તેમણે  જણાવ્યું કે, "મેં થોડા સમય પહેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે વાતચીત કરી હતી. વૈશ્વિક રસી ઉપલબ્ધ કરાવવાને લઈ અમેરિકાની વ્યૂહરચના મુજબ ભારતને રસીનો પુરવઠો સુનિશ્ચિત કરવા બદલ હું હૃદયપૂર્વક તેની પ્રશંસા કરું છું. મે તેમને અમેરિકી સરકાર, કારોબારિઓ અને પ્રવાસી ભારતીયો પાસેથી મળેલા સમર્થન અને એકજૂટતા માટે પણ આભાર વ્યક્ત કર્યો.'



પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમે ભારત-અમેરિકા  રસી સહયોગને વધુ મજબૂત કરવા માટે ચાલી રહેલા પ્રયાસો અને કોરોના પછીના વૈશ્વિક સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થામાં સુધાર માટે આપણી ભાગીદારીના સંભવિત યોગદાન પર પણ ચર્ચા કરી.



 
પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે વૈશ્વિક સ્વાસ્થ્ય સ્થિતિ અનુકુળ થયા બાદ જલ્દી તેઓ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હેરિસનું ભારતમાં સ્વાગત કરશે. પીએમઓએ જણાવ્યું કે બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચે વેક્સીન ઉત્પાદન સહિત આરોગ્ય પુરવઠા સાંકળને મજબૂત બનાવવાના પ્રયત્નો અંગે ચર્ચા કરી.



બીજી તરફ,  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને  કહ્યું કે અમેરિકા વિશ્વને 80 કરોડ રસીની સપ્લાઈ કરશે.  આમાંથી લગભગ 19 કરોડ કોવેક્સ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવશે, જેમાં લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો માટે 60 લાખ  ડોઝ, દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા માટે 70 લાખ ડોઝ અને આફ્રિકા માટે 50 લાખ ડોઝ આપવામાં આવશે. બાકીના બચેલા 60 લાખ ડોઝ એ દેશોને આપવામાં આવશે જ્યાં વધારે કેસ છે અને ભાગીદાર અને પાડોશી દેશ જેમ કે, કેનેડા, મેક્સિકો, ભારત અને કોરિયા રિપબ્લિક ઓફ કોરિયા.