નવી દિલ્હી: લખનઉમાં હિંદુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીની હત્યા મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ એટીએસે અને ગુજરાત એટીએસએ કાનપુરથી યુસુફ ખાન નામના વ્યક્તિની ધરપકડ કરી છે. યુસુફ ખાન વિરુદ્ધ આરોપ છે કે તેણે કમલેશ તિવારીનાં હત્યારાઓને પિસ્તોલ પહોંચાડી હતી.


હિંદુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીનાં હત્યારાઓને પિસ્તોલ આપનાર આરોપી યુસુફ ખાન મૂળ યુપીનાં ફતેહપુરાનો રહેવાસી છે. તે છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રહેતો હતો. તેને શુક્રવારે સાંજે 6 વાગ્યે કાનપુરનાં ઘંટાઘર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.

ઉત્તરપ્રદેશ એટીએસે જણાવ્યું કે, 18 ઓક્ટોબરે બે આરોપીઓએ કમલેશ તિવારીની હત્યા કરી હતી. મુખ્ય આરોપી અશફાક અને મોઇનુદ્દીન ઉર્ફ ફરીદ પઠાણની આ મામલામાં ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તેઓ જેલમાં બંધ છે.

ગુજરાત એટીએસે હત્યાનું કાવતરૂ ઘડનારા સુરતના ઉમરવાડા લીંબાયતમાં રહેતા રશીદ ખુરશીદ પઠાણ, મોસીન શેખ અને શહેજાન મેમ્બરની તેમના ઘરેથી 19 ઓક્ટોબરના રોજ સવારે ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે ત્રણ મોબાઈલ કબજે કર્યા છે. કમલેશ તિવારીની હત્યા થયા બાદ ઘટનાસ્થળે પહોંચેલી ઉત્તરપ્રદેશ પોલીસને મિઠાઈનું બોક્સ મળી આવ્યું હતું. તપાસ કરતા આ મિઠાઈ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ધરતી નમકીન નામની દુકાનમાંથી ખરીદવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

ઉત્તરપ્રદેશ પોલીસે આ મામલે ગુજરાત એટીએસને જાણ કરી હતી. એટીએસે આ દુકાને જઈને સીસીટીવી ફુટેજની ચકાસણી કરતા આરોપીઓ મિઠાઈ ખરીદતા સીસીટીવીમાં ઝડપાઈ ગયા હતા. બાદમાં પોલીસે સુરતના ઉમરવાડા લિંબાયત ખાતે રહેતા રશીદ, મોસીન અને શહેજાનની ધરપકડ કરી હતી.