ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. તેમણે રાજીનામામાં જનપ્રતિધિ કાયદાની કલમ 191 એનો ઉલ્લેખ કર્યો અને કહ્યું તેઓ આગામી 6 મહિના અંદર બીજી વખત ચૂંટાઈને નહી આવી શકે.
જેપી નડ્ડાને લખેલા પત્રમાં તીરથ સિંહે કહ્યું, હું 6 મહિના અંદર બીજી વખત નહી ચૂંટાઈ શકુ. આ એક સંવૈધાનિક બાધ્યતા છે. એટલે હવે પાર્ટી સામે કોઈ સંકટ નથી ઉભુ કરવા માંગતો અને હું મારા પદ પરથી રાજીનામું આપુ છું. તમે મારી જગ્યાએ કોઈ નવા નેતાની પસંદગી કરો.
મુખ્યમંત્રી રાવતે રાજીનામાની ઔપચારિક્તા પૂર્ણ કરવા માટે ઉત્તરાખંડના રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સમય મળતા જ તીરથ સિંહ રાવત ગર્વનર હાઉસ પર પહોંચી આધિકારીક રીતે ગર્વનરને રાજીનામું આપી શકે છે.
ઉત્તરાખંડમાં નવા સીએમ તરીકે સતપાલ મહારાજ, રેખા ખંડુરી, પુષ્કરસિંહ ધામી અને ધનસિંહ રાવતના નામ ચર્ચામાં છે. જ્યારે રાજકીય વર્તુળોના ચાલતી ચર્ચા મુજબ સતપાલ મહારાજને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટના ક્રમની મળતી માહિતી મુજબ ઉત્તરાખંડના ઘણા નેતાઓ તીરથસિંહ રાવતથી નારાજ છે. જેની બાદ સીએમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા બાદ તેઓ દહેરાદૂન પરત ફર્યા હતા. તેમજ ગુરુવારે સાંજે તેમણે પ્રદેશ પ્રમુખને પત્ર લખીને રાજીનામું આપ્યું હોવાની માહિતી સૂત્રોએ આપી છે.
આ ઉપરાંત હાલ વિધાનસભાની બે બેઠકો ગંગોત્રી અને હલદાની ખાલી છે. જેમાં પેટા-ચુંટણી બાકી છે. તેમજ આગામી વર્ષે ફેબ્રુઆરી માર્ચમાં વિધાનસભાની મુદત પૂર્ણ થાય છે. તેથી હવે સમય ઓછો રહ્યો છે તેવા સમયે કાયદા નિષ્ણાતોના મતે પેટા-ચુંટણી કરાવવાની બાબત ઇલેક્શન કમિશન પર આધારિત છે.
તેને જોતાં હવે તેમની પાસે માત્ર રાજીનામું આપવાનો એક વિકલ્પ બચતો હતો. તીરથ સિંહ રાવતને ત્રિવેન્દ્રસિંહ રાવતના સ્થાને માર્ચ માસમાં સીએમ બનાવવામાં આવ્યા હતા. ત્રિવેન્દ્રસિંહ રાવતને કેટલાંક ધારાસભ્યોની નારાજગી બાદ દૂર કરવામાં આવ્યા હતા.