ફેક્ટ ચેકમાં ખોટું સાબિત થયું.
આ વીડિયો પંજાબના જલંધરના જમશેર સ્થિત ડેરી કોમ્પ્લેક્સનો છે, જેની પુષ્ટી FIR, ફરિયાદી અને એક પોલીસ અધિકારીએ કરી છે
(નોંધ: આ રિપોર્ટમાં પશુ ક્રૂરતા સંબંધિત વિગતો છે, જે કેટલાક વાચકોને પરેશાન કરી શકે છે. કૃપા કરીને તમારી વિવેકનો ઉપયોગ કરો.)
દાવો શું છે?
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાર લોકો કથિત રીતે એક "ગાય"ને મારી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો બાંગ્લાદેશના ઈસ્કોન ફાર્મનો છે, જ્યાં મુસ્લિમ સમુદાયના લોકો એક ગાયને નિર્દયતાથી મારી રહ્યા છે. બાંગ્લાદેશમાં ઈસ્કોન સાથે સંકળાયેલા એક સાધુ ચિન્મય કૃષ્ણ દાસની વિવાદાસ્પદ ધરપકડ અને તાજેતરની હિંસા બાદ આ વીડિયો વાયરલ થયો છે.
એક્સ પર એક યુઝરે વિડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શન આપ્યું હતું કે, "બાંગ્લાદેશમાં ક્રૂરતા ચરમસીમાએ છે, પ્રાણીઓને પણ બક્ષવામાં નથી આવી રહ્યા. ઈસ્લામવાદીઓનો આતંક." આ પોસ્ટને અત્યાર સુધીમાં 62,000 થી વધુ વ્યુઝ, 900 રીપોસ્ટ અને 1,100 લાઈક્સ મળી ચૂક્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહી જુઓ. આવા દાવાઓ સાથે શેર કરવામાં આવી રહેલી અન્ય પોસ્ટ્સનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં જુઓ.
આ જ દાવા સાથે આ વીડિયો ફેસબુક પર પણ શેર કરવામાં આવ્યો છે. આ પોસ્ટ્સની આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
જો કે, વાયરલ વીડિયો બાંગ્લાદેશનો નથી, પરંતુ ભારતના ઉત્તરી રાજ્ય પંજાબના જલંધરનો છે.
સત્ય કેવી રીતે બહાર આવ્યું?
વાયરલ વીડિયોની કીફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ મારફતે શોધવા પર અમને તે 19 નવેમ્બર, 2024ની એક એક પોસ્ટ ( અહીં આર્કાઇવ )માં મળી આવી હતી. જો કે, આ પોસ્ટમાં વીડિયોની ઘટના અંગે કોઇ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ આ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પેટા ઇન્ડિયા ( અહીં આર્કાઇવ)નો એક જવાબ મળ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સદર પોલીસ મથકમાં ભારતીય ન્યાયિક સંહિતા (BNS)ની કલમ 325 અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ (PCA)ની કલમ 11 હેઠળ એફ.આઈ.આર. નોંધવામાં આવી છે.
તપાસ દરમિયાન અમને ''ખબ્રિસ્તાન પંજાબી' નામની ન્યૂઝ વેબસાઈટ પર આ જ વીડિયો પર આધારિત એક રિપોર્ટ મળ્યો, જેમાં વાયરલ વીડિયોના સ્ક્રીનશૉટનો કવર ઈમેજ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, વીડિયો જલંધરની જમશેર ડેરીનો હોવાનું કહેવાય છે.
PETA ઈન્ડિયા અને પંજાબી રિપોર્ટમાંથી હિંટ લઇને અમે પંજાબ પોલીસની વેબસાઈટ પર જઇને એફઆઇઆર કરી જે 18 નવેમ્બર, 2024ના રોજ દાખલ કરવામાં આવી હતી. જેમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 325 અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા નિવારણ (PCA)ની કલમ 11 ઉમેરવામાં આવી છે. એફઆઇઆર રિપોર્ટ સદર પોલીસ સ્ટેશનમાં શ્રી ગોવિંદ રક્ષા દળના પ્રમુખ અભિષેક બક્ષી દાખલ કરવામાં આવી હતી.
એફઆઈઆર અનુસાર, આ વીડિયો જલંધરના જમશેર વિસ્તારમાં ઘુમન હિરણ ફાર્મ નજીકનો છે.
ત્યારબાદ અમે અભિષેક બક્ષીનો સંપર્ક કર્યો, જેમણે પુષ્ટી કરી કે આ વીડિયો જલંધરનો છે. તેમણે કહ્યું હતું કે , "આ વીડિયો મને એક ગાય ભક્તે મોકલ્યો હતો, જેના પછી હું અડધા કલાકમાં જ જમશેર ડેરી કોમ્પ્લેક્સ પહોંચ્યો અને પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસે એફઆઇઆર નોંધી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી."
ધ ટ્રિબ્યૂનના 20 નવેમ્બરના રિપોર્ટ અનુસાર, વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાયા બાદ એનિમલ પ્રોટેક્શન ફાઉન્ડેશનના શ્રીસ્ત બક્ષીના નેતૃત્વમાં લોકોએ અધિકારીઓ સમક્ષ કાર્યવાહીની માંગ કરી હતી.
એનિમલ પ્રોટેક્શન ફાઉન્ડેશનના ફેસબુક પેજ પર 13 નવેમ્બરના રોજ આ જ વીડિયો (અહીં આર્કાઇવ) શેર કરવામાં આવ્યો હતો જે વર્તમાનમાં વાયરલ થઇ રહ્યો છે અને વીડિયોના સ્થળની ઓળખ કરવાની અપીલ કરવામાં આવી હતી. 17 નવેમ્બરે ફાઉન્ડેશનના યુવી સિંહ અને ડીસીપી સાથે મુલાકાતનો વીડિયો (અહીં આર્કાઇવ કરો) અને 18 નવેમ્બરે આ કેસમાં સદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરની કૉપી (અહીં આર્કાઇવ) શેર કરવામાં આવી હતી.
યુવી સિંહે પણ લોજિકલી ફેક્ટ્સને પણ જણાવ્યું કે આ વીડિયો જમશેર ડેરીનો છે, જેની પોલીસ તપાસ કરી રહી છે.
આ વીડિયો વિશે વધુ માહિતી મેળવવા માટે અમે જલંધર પોલીસના એક અધિકારીનો સંપર્ક કર્યો, જેમણે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, "વીડિયોમાં ગાય નથી, પરંતુ બળદ છે. આ વીડિયો જમશેર (જલંધર)ની એક ડેરીનો છે. વીડિયોમાં જે લોકો જોવા મળી રહ્યા છે તે પ્રવાસી મજૂરો છે. જેમની વિરુદ્ધ અમે કેસ દાખલ કર્યો છે અને જેવી તેમની ઓળખ થઇ જશે તેમની ધરપકડ કરી લેવામાં આવશે.
નિષ્કર્ષ
અમારી અત્યાર સુધીની તપાસથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે બાંગ્લાદેશમાં ગાયને નિર્દયતાથી માર મારવાના દાવા સાથે શેર કરવામાં આવી રહેલો વીડિયો વાસ્તવમાં પંજાબના જલંધરમાં સ્થિત એક ડેરીનો છે.
(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક logicallyfacts.com એ કર્યુ છે, એબીપી અસ્મિતા ન્યૂઝ લાઇવ ગુજરાતીએ (gujarati.abplive.com) શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેક્ટમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)