કોલકાતા: પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે તાલિબાની અત્યાચારની ઘટનાઓ અટકવાનું નામ લઇ રહી નથી. ઉત્તર દિનાજપુર અને કૂચ બિહારમાં મહિલાઓની છેડતીની ઘટના બાદ હવે ઉત્તર 24 પરગણા જિલ્લામાં એક નવો મામલો સામે આવ્યો છે. જેમાં ટીએમસી ધારાસભ્ય મદન મિત્રાના નજીકના સહયોગી જયંતા સિંહા કથિત રીતે તેની કંગારૂ કોર્ટમાં એક ગેંગ સાથે એક છોકરીને માર મારી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો પશ્વિમ બંગાળ બીજેપીના સત્તાવાર એક્સ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.






શું છે વાયરલ વીડિયોમાં?


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક રૂમમાં કેટલાય લોકો મળીને યુવતીને નિર્દયતાથી માર મારી રહ્યા છે. આ તમામ યુવતીને સતત લાકડીથી માર મારી રહ્યા છે. વાયરલ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે આ TMC ધારાસભ્ય મદન મિત્રાના નજીકના સાથી જયંતા સિંહાની કંગારૂ કોર્ટ છે. આમાં તે તેની ગેંગ સાથે યુવતીને માર મારી રહ્યો છે. જોકે, એબીપી અસ્મિતા વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.


આ વીડિયોને તેના એક્સ હેન્ડલથી શેર કરીને પશ્વિમ બંગાળ ભાજપે મમતા બેનર્જીના નેતૃત્વવાળી TMC સરકારની પણ ટીકા કરી છે. ભાજપે લખ્યું છે કે આ ઘટના કમરહાટી નગરપાલિકાના અરિયાદાહા સ્થિત તલતલા ક્લબમાં બની હતી. મહિલાને લાકડીઓથી મારનાર વ્યક્તિનું નામ જયંતા સિંહા છે, જે કથિત રીતે ટીએમસી ધારાસભ્ય મદન મિત્રાનો નજીકનો સાથી છે. તે વિસ્તારમાં 'સોપારી' લેતો કુખ્યાત ગુનેગાર છે, જે સીએમ મમતા બેનર્જીની 'મહિલા-કેન્દ્રિત' સરકારના ઘોર દંભને છતી કરે છે.


અવૈધ સંબંધોના આરોપમાં દંપતીને માર માર્યો


આ પહેલા ઉત્તર દિનાજપુર જિલ્લાના ચોપરાનો વીડિયો સામે આવ્યો હતો. આમાં કેટલાક લોકો કપલને મારતા હતા. વીડિયોમાં જે વ્યક્તિ બંનેને લાકડીથી મારતો દેખાય છે તે તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક નેતા હોવાનું કહેવાય છે. જો કે વિવાદ વધતા પોલીસે આરોપી તજમુલ ઉર્ફે જેસીબીની ધરપકડ કરી હતી.


આ વીડિયો પર BJP IT સેલના વડા અમિત માલવિયાએ 'એક્સ' પર એક પોસ્ટમાં કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના શાસનનો આ કદરૂપો ચહેરો છે. વિડિયોમાં દેખાતો વ્યક્તિ જે એક મહિલાને નિર્દયતાથી મારતો હોય છે... તે તેની 'ઇન્સાફ' સભા દ્વારા ઝડપી ન્યાય આપવા માટે પ્રખ્યાત છે અને ચોપરાના ધારાસભ્ય હમીદુર રહેમાનનો નજીકનો સહયોગી છે. તેમણે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળના દરેક ગામમાં સંદેશખાલી છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જી મહિલાઓ માટે અભિશાપ છે.