નવી દિલ્હીઃ ટેલિકોમ કંપનીઓની સ્થિતિ ઠીક નથી. કંપનીઓનું દેવું એટલું બધુ વધી ગયું છે કે કંપનીનું સંચાલન કરવું મુશ્કેલ થઇ રહ્યું છે. ટેલિકોમ સેક્ટરની સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વોડાફોન આઇડિયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે, જો કંપનીને સરકાર મદદ નહી કરે તો આ બંધ થઇ શકે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તે આ કંપનીમાં વધુ પૈસાનું રોકાણ કરશે નહીં.


તેમણે કહ્યુ કે, જો સરકારથી રાહત નહી મળે તો મજબૂરીમાં અમારે અમારી દુકાન (વોડાફોન-આઇડિયા) બંધ કરવી પડશે. તેમણે એ વાતનો સંકેત આપ્યો હતો કે હવે કંપનીમાં કોઇ પ્રકારનું રોકાણ કરશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, આ વાતનો કોઇ અર્થ નથી કે ડૂબતા પૈસામાં પૈસા લગાવવા જોઇએ. બિરલાએ કહ્યું કે, રાહત ના મળવાની સ્થિતિમાં તે કંપનીને દેવાળિયા પ્રક્રિયામાં લઇ જશે.

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વોડાફોન-આઇડિયાને સરકારને લગભગ 53 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની છે. બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીને લગભગ 51 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હતુ જે ટેલિકોમના ઇતિહાસમાં એક ત્રિમાસિક ગાળામાં અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન છે. વોડાફોન અને આઇડિયા સિવાય એરટેલની સ્થિતિ પણ સારી નથી. બીજા ત્રિમાસિક ગાળામાં તેને લગભગ 23 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

સ્પેક્ટ્રમ ચાર્જ, લાયસન્સ ફીસ અને એજીઆર દેવા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટેલિકોમ કંપનીઓ પર અચાનક લગભગ 1.4 લાખ કરોડ રૂપિયાનું દેવું આવી ગયું છે. હાલમાં સરકારે આ કંપનીઓને બે વર્ષની રાહત આપી છે. કંપનીઓએ બે વર્ષ સુધી કોઇ ચૂકવણી કરવાની નથી.