બેંગલુરુઃ બેંગલુરુની એક સ્થાનિક કોર્ટે કુખ્યાત અપરાધી અને અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને સાત માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યો છે. સાઉથ આફ્રિકાના સેનેગલથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યાના થોડા જ કલાકોમાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને સાત માર્ચ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યો હતો. રવિ પૂજારી પર હત્યા, અપહરણ અને ખંડણી માંગવાના અનેક કેસનો આરોપી છે.


ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, હત્યા અને વસૂલી જેવા અનેક ગુનામાં ભાગેડું ગેંગસ્ટર રવિ પૂજારીને સોમવારે ફ્રાન્સના રસ્તે સેનેગલથી બેંગલુરુ લાવવામાં આવ્યો હતો.  એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યુ કે, હા અમે તેને લાવ્યા છીએ. પોલીસ સૂત્રોના મતે  ગેંગસ્ટરને સાઉથ આફ્રિકા પોલીસે અને સેનેગલ સુરક્ષા એજન્સીઓએ સાથે મળીને એક સંયુક્ત ઓપરેશન ચલાવી પકડ્યો હતો અને બાદમાં તેને સેનેગલ પ્રત્યાર્પિત કરવામાં આવ્યો હતો.

સેનેગલમાં પૂજારીની ધરપકડની જાણકારી મળ્યા બાદ પોલીસ અધિકારીઓની એક ટીમ તેને લાવવા માટે સેનેગલ પહોંચી  હતી. આ ટીમમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અમર કુમાર પાંડે અને બેંગલુરુના સંયુક્ત પોલીસ કમિશનર સંદીપ પાટીલ સામેલ હતા. રવિ પૂજારીને ફ્રાન્સથી બેંગલુરુ લાવવામાં આવ્યો હતો.

પૂજારીની સેનેગલ અધિકારીઓએ ગયા વર્ષે પણ ધરપકડ કરી હતી.પરંતુ સ્થાનિક કોર્ટે તેને જામીન આપી દેતા ભારતીય પોલીસ તેને પાછો લાવી શકી નહોતી.  બાદમાં પૂજારી જામીનનો ભંગ કરીને સેનેગલથી ભાગીને સાઉથ આફ્રિકા જતો રહ્યો હતો. ગેંગસ્ટર રવિ પૂજારી કર્ણાટકમાં  પોતાનું નેટવર્ક ફેલાવી રાખ્યું હતું.